17 April, 2025 08:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા સતત ચોથા વર્ષે ૨૦૨૪-’૨૫માં ભારતનું સૌથી મોટું ટ્રેડ-પાર્ટનર બન્યું હતું. આ બન્ને દેશો વચ્ચે કુલ ૧૩૧.૮૪ અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. આ સમયગાળા દરમ્યાન બીજા નંબરે ચીન સાથેનો દ્વિપક્ષીય વેપાર ૧૨૭.૭ અબજ ડૉલર રહ્યો હતો, જ્યારે ૧૦૦.૪ અબજ ડૉલરના દ્વિપક્ષીય વેપાર સાથે યુનાઇડેટ આરબ એમિરેટ્સ (UAE) ત્રીજા સ્થાને રહ્યું હતું.
ચીન સાથેના ભારતના વેપારમાં ૯૯.૨ અબજ ડૉલરની ખાધ વધી છે. ભારતથી ચીન નિર્યાત થતી ચીજોનું મૂલ્ય ૧૪.૫ ટકા ઘટીને ૧૪.૨૫ અબજ ડૉલર રહ્યું હતું. ૨૦૨૩-’૨૪માં આ આંકડો ૧૬.૬૬ અબજ ડૉલર હતો. ચીનથી થતી આયાત ૧૧.૫૨ ટકા વધીને ૧૧૩.૪૫ અબજ ડૉલર થઈ હતી જે ૨૦૨૩-’૨૪માં ૧૦૧.૭૩ અબજ ડૉલર રહી હતી.
કૉમર્સ મિનિસ્ટરીએ મંગળવારે આપેલા આંકડા અનુસાર ૨૦૧૩-’૧૪થી ૨૦૧૭-’૧૮ સુધી અને ૨૦૨૦-’૨૧માં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડ-પાર્ટનર હતું. ચીન પહેલાં UAE ભારતનું મોટું ટ્રેડ-પાર્ટનર રહેતું હતું. ૨૦૨૧-’૨૨થી અમેરિકા ભારતનું નંબર વન ટ્રેડ-પાર્ટનર છે.
શેની આયાત, શેની નિકાસ?
ભારતમાંથી અમેરિકા નિકાસ થતી ચીજોમાં બ્રૅન્ડેડ અને જેનરિક દવાઓ, કમ્યુનિકેશન ઉપકરણ, કીમતી અને અર્ધ-કીમતી સ્ટોન્સ, પેટ્રોલિયમ ઉત્પાદનો, સોના અને અન્ય કીમતી ધાતુઓના દાગીના, કૉટનનાં તૈયાર વસ્ત્રો, સ્ટીલ અને લોખંડનો સમાવેશ છે. અમેરિકાથી આયાત થતી ચીજોમાં ક્રૂડ તેલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કોલસો, કોક, કટ અને પૉલિશ્ડ ડાયમન્ડ, ઇલેક્ટ્રિક મશીનરી, વિમાન, સ્પેસ ઍરક્રાફ્ટ, એનાં ઉપકરણો અને સોનાનો સમાવેશ છે.
લક્ષ્ય ૫૦૦ અબજ ડૉલરના વેપારનું
આગામી વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં તેજી આવવાની આશા છે. બન્ને દેશો એક ટ્રેડ-ડીલ પર વાતચીત કરી રહ્યા છે. એનો ઉદ્દેશ ૨૦૩૦ સુધીમાં વસ્તુઓ અને સર્વિસિસમાં બન્ને તરફથી થતા વેપારના લક્ષ્યને ૧૯૧ અબજ ડૉલરથી વધારીને ૫૦૦ અબજ ડૉલર કરવાનો છે.