12 April, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરના KCR રેલવે-સ્ટેશનથી મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે ટૂંક સમયમાં સ્લીપર વંદે ભારત ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવશે. આ ટ્રેન માટેનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું નથી પણ આ ટ્રેન મુંબઈ અને બૅન્ગલોર વચ્ચેનું અંતર ૧૬ કલાકમાં કાપશે.
હાલમાં બન્ને શહેરો વચ્ચેના આશરે ૧૧૧૦થી ૧૧૨૭ કિલોમીટરના અંતરને કાપવામાં એકવીસથી પચીસ કલાક લાગે છે, પરંતુ હવે આ રૂટ માટે વંદે ભારત સ્લીપર ટ્રેનને મંજૂરી મળ્યા બાદ આ મુસાફરીનો સમય ઓછો થવાની ધારણા છે.
પ્રથમ કામાખ્યા-હાવડા વંદે ભારત સ્લીપર ટ્રેનના સફળ લૉન્ચિંગના લગભગ ૩ મહિના પછી બીજી નવી વંદે ભારત સ્લીપર ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. કામાખ્યા-હાવડા વંદે ભારત સ્લીપર સેવાએ ૧૦૦ ટકાથી વધુ ઑક્યુપન્સી હાંસલ કરી છે અને અત્યાર સુધીમાં ૧.૨૧ લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો છે. નવી વંદે ભારત સ્લીપર ટ્રેનનો હેતુ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૧૨ નવા સ્લીપર રેક રજૂ કરીને દેશભરમાં લાંબા અંતરની રેલ-કનેક્ટિવિટી સુધારવાનો છે.