19 April, 2025 03:43 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ૧૯ વર્ષની યુવતીએ નોંધાવેલા કથિત ગૅન્ગ-રેપ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ માટે વારાણસીના પોલીસ-કમિશનરે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈની પણ ધરપકડ કરવા પર રોક લગાવી છે. આ નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે ગુરુવારે મોટી સંખ્યામાં આરોપી યુવકના પરિવારજનો પોલીસ-કમિશનરની ઑફિસ પહોંચ્યા હતા અને તેમણે કેટલાક વિડિયો અને ઇન્સ્ટાગ્રામ ચૅટ બતાવ્યાં હતાં. આ વિડિયોમાં યુવતી આરોપીઓ સાથે સામાન્ય હાલતમાં ફરતી જોવા મળી રહી છે. પોલીસ-કમિશનર મોહિત અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે ‘પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં યુવતીના શરીર પર કોઈ ઇન્ટર્નલ ઇન્જરી નથી મળી. બીજો રિપોર્ટ આવ્યા બાદ મામલો ક્લિયર થશે.’
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૯ માર્ચથી ૪ એપ્રિલ સુધી યુવતી સાથે ૨૩ યુવકોએ ગૅન્ગ-રેપ કર્યો હતો, પરંતુ હવે સામે આવેલા વિડિયો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કેસમાં નવો વળાંક આવ્યો છે. ૩૧ માર્ચના એક વિડિયોમાં યુવતી ત્રણ આરોપીઓ સાથે એક રેસ્ટોરાંની બહાર જોવા મળી રહી છે, જ્યારે ચોથો આરોપી વિડિયો બનાવી રહ્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે યુવતી એ દરમ્યાન સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હતી અને તે ખુદ એક આરોપીને ચૅટ કરીને મળવાની વાત પણ કરી રહી હતી. યુવતીએ લખ્યું હતું, હું કૅફે પહોંચી રહી છું. આ ચૅટ ૨-૩ એપ્રિલની છે, જ્યારે યુવતી પોતાને એ સમયે બંધક બનેલી હોવાનું જણાવી રહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા શુક્રવારે સવારે વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ઍરપોર્ટ પર ઊતરતાં જ તેમણે પોલીસ-કમિશનર મોહિત અગ્રવાલ પાસેથી ગૅન્ગ-રેપ કેસને લઈને માહિતી મેળવી હતી.