03 November, 2025 12:35 PM IST | Srikakulam | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આંધ્ર પ્રદેશના કાસીબુગ્ગામાં વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે થયેલી નાસભાગની દુર્ઘટનામાં આઠ મહિલાઓ અને એક ૧૩ વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના બાદ આ મંદિર બાંધનારા ૯૪ વર્ષના ઓડિશાના રહેવાસી હરિ મુકુંદ પાન્ડાએ તેમની જવાબદારી ખંખેરી નાખી હતી અને જણાવ્યું હતું કે મંદિરમાં શનિવારે થયેલી નાસભાગ માટે કોઈ જવાબદાર નથી, આ તો ભગવાનનું કૃત્ય હતું. દૈવી કોપથી આમ થયું હતું.
આંધ્ર પ્રદેશ પોલીસ-સૂત્રોએ જણાવ્યું હતું કે પાન્ડા અને મંદિર-વ્યવસ્થાપનના સભ્યો પર કાર્યક્રમ યોજવામાં કથિત બેદરકારી બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
રેલિંગ તૂટી અને ગભરાટ ફેલાયો
તિરુપતિના તિરુમલા મંદિર મૉડલ પરથી તૈયાર કરવામાં આવેલા આ મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચાર મહિના પહેલાં જ થયું હતું. કાર્તિકી એકાદશીના તહેવાર નિમિત્તે શનિવારે મંદિરમાં એક સાંકડી સીડી પરની રેલિંગ તૂટી પડી હતી. એના કારણે મંદિરમાં ઉપસ્થિત ૨૦,૦૦૦થી વધુ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પચીસથી વધુ લોકો ઘાયલ થયા હતા. નાસભાગના દિવસે ભક્તો માટે પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ ફક્ત એક જ હતો. ભીડના નબળા નિયંત્રણ અને સત્તાવાર મંજૂરીના અભાવે યાત્રાધામ અંધાધૂંધીમાં ફેરવાઈ ગયું હતું.
ઘટનાની તપાસ શરૂ
આ દુર્ઘટનાની તપાસ શરૂ થઈ હોવાનું જણાવીને જિલ્લા પોલીસ વડા કે. વી. મહેશ્વર રેડ્ડીએ ઉમેર્યું હતું કે મંદિરનો મુખ્ય ગર્ભગૃહ પહેલા માળે છે અને લગભગ વીસ પગથિયાં ધરાવતી સીડી દ્વારા જ ત્યાં જઈ શકાય છે. સીડીની બાજુમાં ખરાબ રીતે બાંધવામાં આવેલી એક રેલિંગ તૂટી પડી અને એક વ્યક્તિ પડી ગઈ હતી. આનાથી ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ થઈ હતી.