પુરીના જગન્નાથ મંદિરની ઉપર ધજા સાથે ઊડતા ગરુડનો વિડિયો વાઇરલ, લોકોમાં શરૂ થઈ શંકા-કુશંકાની અટકળો

17 April, 2025 07:01 AM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

એક ઍસ્ટ્રોલોજરના જણાવ્યા મુજબ આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે ઓડિશા પર સમુદ્રી તોફાન આવી શકે છે. હાલના ગ્રહમાન પણ એ બાબતનો સંકેત આપે છે.

જગન્નાથ મંદિરની ઉપર ધજા જેવા કપડા સાથે એક ગરુડ પક્ષી ઊડતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની ઉપર ધજા જેવા કપડા સાથે એક ગરુડ પક્ષી ઊડતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘણા લોકો આને ભગવાન જગન્નાથની લીલા માની રહ્યા છે તો ઘણા લોકો એને શંકા-કુશંકાની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. ઘણા લોકો એને આવનારી આફતરૂપે જોઈ રહ્યા છે અને એને અપશુકન માની રહ્યા છે.

વિડિયોમાં દેખાય છે કે ગરુડ તેના પંજામાં એક કપડા સાથે મંદિરના શિખરની ફરતે ચક્કર મારી રહ્યું છે. આ વિડિયો લગભગ તમામ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જોવા મળી રહ્યો છે. મંદિર પ્રશાસને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પણ સ્થાનિક મીડિયામાં પૂજારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ સામાન્ય પ્રાકૃતિક ઘટના હોઈ શકે છે.

જોકે ભાવિકોમાં આ મુદ્દે શંકા-કુશંકાઓ ફેલાઈ છે. લોકોનું કહેવું છે કે ૨૦૨૦માં આકાશમાં વીજળી ચમકી અને મંદિરના શિખર પર ફરકી રહેલી ધજામાં આગ લાગ્યા બાદ કોરોના મહામારીનો સમયગાળો આવ્યો હતો અને આખી દુનિયામાં તબાહી મચી હતી. ૨૦૨૨માં મંદિરના એક થાંભલામાં તિરાડ જોવા મળ્યા બાદ ઓડિશામાં નવીન પટનાઈકની સરકારનું પતન થયું હતું. હવે ગરુડ શિખરની ફરતે કપડા સાથે ફરતું હોવાથી કોઈ અનહોની થશે એવી શંકા લોકોના મનમાં છે. એક ઍસ્ટ્રોલોજરના જણાવ્યા મુજબ આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે ઓડિશા પર સમુદ્રી તોફાન આવી શકે છે. હાલના ગ્રહમાન પણ એ બાબતનો સંકેત આપે છે.

મંદિર પરની ધજા પવનની વિપરીત દિશામાં ફરકે છે અને એ વિજ્ઞાનના નિયમોને પણ પડકાર ફેંકે છે. મંદિરની ધજાને રોજ બદલવામાં આવે છે અને આ માટે રોજ એક પૂજારી શિખર પર ચડીને ધજા બદલે છે.

odisha jagannath puri religion religious places national news news viral videos social media