30 December, 2025 04:24 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
વારાણસીમાં જપાનીઓ સાથે ગેરવર્તન
વારાણસીનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં નાતાલના દિવસે દશાશ્વમેઘ ઘાટ પર જપાની પ્રવાસીઓ પર પવિત્ર ગંગા નદીમાં પેશાબ કરવાનો ખોટો આરોપ લગાવ્યા બાદ હેરાનગતિ કરવામાં આવી રહી છે. એક ટોળાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને ભગાડી મૂક્યા હતા, આ પરિવારે હાથ જોડીને માફી માગી હતી.
ઑનલાઇન ફરી રહેલા વાઇરલ વિડિયોમાં જોવા મળે છે કે પ્રવાસીઓ પર ભીડ દ્વારા મૌખિક દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે પરિવાર શાંત છે અને કોઈ વિરોધ કરી રહ્યો નથી.
વિડિયોમાં એક જપાની પ્રવાસી હાથ જોડીને ભીડની માફી માગતો જોવા મળે છે. સૅન્ટા ક્લૉઝની કૅપ અને સ્વિમસૂટ પહેરેલા પરિવારને ડરાવવામાં આવ્યો હતો, ગાળો બોલવામાં આવી હતી અને અંતે ઘાટ પરથી ભગાડી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ લગભગ શારીરિક હિંસા સુધી પહોંચી ગઈ હતી.
કથિત રીતે ભીડમાંથી એક જણે જપાની ટૂરિસ્ટ પર ગંગા નદીમાં પેશાબ કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો પછી આ પજવણી શરૂ થઈ હતી. આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવા નહોતા છતાં આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. એના કારણે સોશ્યલ મીડિયા પર વ્યાપક રોષ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ આ વર્તનની નિંદા કરી હતી અને બિન-પ્રમાણિત આરોપના આધારે મૈત્રીપૂર્ણ દેશના પ્રવાસીઓ સાથે દુર્વ્યવહાર કરવાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
આ વિડિયોને જોરદાર ઑનલાઇન પ્રતિક્રિયાઓ મળી છે. ઘણા યુઝર્સે આઘાત વ્યક્ત કર્યો છે કે આવો દુર્વ્યવહાર એવા શહેરમાં થયો છે જ્યાં ‘અતિથિ દેવો ભવ’ની ભાવના ખૂબ જ મૂલ્યવાન છે.
ઘણા યુઝર્સે આ ઘટનાનો વિરોધ કર્યો. એક યુઝરે લખ્યું હતું કે ‘હું બધા ભારતીયો વતી તે લોકો અને જપાનના લોકોની માફી માગું છું. નરેન્દ્ર મોદીના ગઢ વારાણસીમાં ભીડનો ભયાનક આતંક, અવિશ્વસનીય દૃશ્યો ફક્ત એટલા માટે કે તેમણે સૅન્ટા ક્લૉઝ કૅપ અને સ્વિમસૂટ પહેર્યાં હતાં? આવાં કૃત્યો ભારતીયો સામે વૈશ્વિક જાતિવાદને વેગ આપે છે અને પર્યટનને બગાડે છે.’