18 July, 2026 10:39 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનેટ પર લાખો યુઝર્સ દ્વારા હાથીની આ અદ્ભુત બહાદુરી અને રક્ષણાત્મક વૃત્તિનાં ભારે વખાણ કરવામાં આવી રહ્યાં છે
આસામના એક જંગલ વિસ્તારમાં એક જંગલી હાથી પ્રચંડ JCB સામે કોઈ પણ ડર વગર નીડરતાથી માર્ગ રોકીને ઊભો રહી ગયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાથી એ મશીનને જંગલમાં આગળ વધતું અટકાવવા માટે મક્કમતાથી ઊભો છે, જાણે એ પોતાના કુદરતી આવાસને વિનાશથી બચાવવાનો વીરતાપૂર્વક પ્રયાસ કરી રહ્યો હોય.
ઇન્ટરનેટ પર લાખો યુઝર્સ દ્વારા હાથીની આ અદ્ભુત બહાદુરી અને રક્ષણાત્મક વૃત્તિનાં ભારે વખાણ કરવામાં આવી રહ્યાં છે. અનેક લોકો કમેન્ટ્સ દ્વારા જણાવી રહ્યા છે કે આ ઘટના વન્યજીવોના પોતાના ઘર પ્રત્યેના લગાવ અને લાગણીને દર્શાવે છે. જોકે પર્યાવરણની જાળવણી કરવાની સૌથી વધારે ફરજ માનવની છે, પરંતુ એ હાથી નિભાવી રહ્યો છે. આ હૃદયસ્પર્શી દૃશ્યો પર્યાવરણની જાળવણી અને વન્યજીવોના સુરક્ષિત આવાસ પ્રત્યે સમાજમાં એક અત્યંત સકારાત્મક સંદેશ છે.