વક્ફ અધિનિયમ પર સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબલની દલીલો સામે CJIએ શું આપ્યો જવાબ?

17 April, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

Waqf Amendment Act: વક્ફ અધિનિયમના સંશોધન સામે સુપ્રીમ કોર્ટમાં બુધવારે બપોરે 2 વાગ્યાથી સુનાવણી શરૂ થઈ હતી. 20થી વધુ અરજીઓમાં આરોપ મૂકાયો છે કે આ કાયદો બંધારણીય રીતે ખોટો છે અને મુસ્લિમ સમુદાય સામે ભેદભાવ કરે છે.

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

વક્ફ અધિનિયમના સંશોધન સામે સુપ્રીમ કોર્ટમાં બુધવારે બપોરે 2 વાગ્યાથી સુનાવણી શરૂ થઈ હતી. 20થી વધુ અરજીઓમાં આરોપ મૂકાયો છે કે આ કાયદો બંધારણીય રીતે ખોટો છે અને મુસલમાન સમુદાય સામે ભેદભાવ કરે છે. પહેલા આ સુનાવણી ત્રણ જજોની બેન્ચ દ્વારા થવાની હતી, પણ હવે મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજયકુમારની બે જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે.

યાચિકાઓમાં શું કહેવામાં આવ્યું છે?
અરજદારોની દલીલ છે કે વક્ફ અધિનિયમમાં કરાયેલું સંશોધન સરકારને મનમાની કરવાનો હક આપે છે અને એટલે જ આ કાયદાને તાત્કાલિક રદ કરવાની તેમજ તેના અમલ પર રોક લગાવવાની માગ મૂકી છે. કૉંગ્રેસ, જેડીયુ, આમ આદમી પાર્ટી, ડીએમકે અને સીપીઆઈ સહિતની રાજકીય પાર્ટીઓએ આ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર મૂક્યો છે. ઉપરાંત જમિયત ઉલમા-એ-હિંદ, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને કેટલાક એનજીઓ પણ આ કાયદાના વિરોધમાં છે. કૉંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ સહિત અનેક અરજદાર વ્યક્તિગતરૂપે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા.

કપિલ સિબલની દલીલો અને CJIનો જવાબ
સિનિયર વકીલ કપિલ સિબલે કહ્યું કે આ કાયદો ધાર્મિક મામલાઓમાં સરકારી દખલ છે. તેમણે જણાવ્યું કે સંવિધાન લોકોને ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે અને વક્ફ કાયદાનું સંશોધન આ અધિકારનો ભંગ કરે છે. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું કે જેમ હિન્દુ ધર્મના વારસાની બાબતો માટે હિન્દુ વારસા અધિનિયમ બનાવવામાં આવ્યો છે, તેમ મુસલમાનોની સંપત્તિ માટે પણ કાયદો બનાવવામાં આવ્યો છે. સંવિધાનનો આર્ટિકલ 26 આવા કાયદા બનાવવા પર કોઈ પ્રતિબંધ લાદતી નથી. આ આર્ટિકલ બધા ​​માટે છે અને સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક છે, એટલે કે, તે બધા ધર્મોને સમાન રીતે લાગુ પડે છે.

મૌલિક અધિકારોનો ભંગ અને વક્ફ બોર્ડમાં હિન્દુઓની એન્ટ્રી પર વિવાદ
કપિલ સિબલે જણાવ્યું કે અગાઉ વક્ફ કાઉન્સિલમાં ફક્ત મુસલમાન જ સભ્યો હતાં, પણ હવે નવા કાયદા અંતર્ગત હિન્દુઓને પણ “વિશેષ સભ્યો” તરીકે સામેલ કરવાનું સંશોધન કરવામાં આવ્યું છે. તેમણે આને મુસલમાનોના મૌલિક અધિકાર પર સીધો હુમલો ગણાવ્યો. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફક્ત 20 બિન-મુસ્લિમોને સ્થાન આપવાનું કહેવામાં આવ્યું છે.

કલેક્શનના અધિકાર પર પ્રશ્ન
કપિલ સિબલે કોર્ટમાં બીજી બાબત ઉઠાવતા કહ્યું કે નવા કાયદા હેઠળ હવે કલેક્ટરને અધિકાર અપાયો છે કે તે નક્કી કરશે કે કોઈ મિલકત વક્ફની છે કે નહીં. જો વિવાદ થાય તો કલેક્ટર સરકારનો જ ભાગ છે, અને કલેક્ટર પોતે જ `જજ` બની જશે, જે સંવિધાન વિરુદ્ધ છે. ઉપરાંત કલેક્ટર નિર્ણય ન આપે ત્યાં સુધી મિલકતને વક્ફ ગણવામાં નહિ આવે. સિબલે એમ પણ કહ્યું કે જો કોઈ ઇમારત કે સ્થળને પહેલાથી જ સ્મારક જાહેર કરવામાં આવ્યું હોય, તો તેને વક્ફ જાહેર કરવું ખોટું છે અને જો આવું કરવામાં આવે તો તે જાહેરાત ગેરકાયદેસર ગણવી જોઈએ. આના પર ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્નાએ કહ્યું કે તેમની સમજ મુજબ આ દલીલ કપિલ સિબલના પક્ષમાં છે. જો કોઈ સ્થળને પહેલા વક્ફ જાહેર કરવામાં આવ્યું હોય અને પછી તેને પ્રાચીન સ્મારક જાહેર કરવામાં આવ્યું હોય, તો તે સ્થળને વક્ફ ગણવામાં આવશે, પરંતુ જો તે પહેલાથી જ એક સ્મારક હતું અને પછી તેને વક્ફ જાહેર કરવામાં આવ્યું હોય, તો વિવાદ સર્જાઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે સરકારને કર્યા પ્રશ્નો
સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદાની સુનાવણી દરમિયાન, કપિલ સિબલે કહ્યું કે અગાઉ રચાયેલી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં (૧૯૯૫માં) બધા સભ્યો મુસ્લિમ હતા. જેમ હિન્દુ કે સિખ ધાર્મિક બોર્ડમાં ફક્ત તેમના જ ધર્મના લોકો હોય ​​છે, તેવી જ રીતે વક્ફ બોર્ડમાં પણ પહેલા ફક્ત મુસ્લિમ સભ્યો હતા, પરંતુ હવે નવા સુધારેલા કાયદામાં કેટલાક બિન-મુસલમાનો પણ "વિશેષ સભ્યો" તરીકે કાઉન્સિલમાં જોડાઇ શકશે, જે મુસલમાનોના અધિકારોનું ઉલ્લંઘન છે. આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તે કેન્દ્ર સરકારને પૂછશે કે શું વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી બે રાખવામાં આવી છે કે મહત્તમ બે હોઈ શકે છે.

waqf amendment bill waqf board kapil sibal supreme court new delhi national news news