10 October, 2026 09:13 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૪ રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો અને આસામની નગાંવ લોકસભા બેઠક પર ૬ ઑક્ટોબરે થયેલી પેટાચૂંટણીમાં તમામ સ્થળે સત્તાધારી પક્ષોને વિજય મળ્યો છે. પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર રાજ્યમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રચંડ જીત મળી છે.
પશ્ચિમ બંગાળમાં ઈસ્ટ મેદિનીપુર જિલ્લાની નંદીગ્રામ બેઠક પર BJPના હસીરાની રથે રેકૉર્ડબ્રેક વિજય મેળવ્યો છે. હસીરાની રથને ૧,૬૪,૪૨૭ મત મળ્યા હતા. તેમણે કૉન્ગ્રેસના મિલન પ્રધાનને ૧,૨૨,૭૫૩ મતના માર્જિનથી હરાવી દીધા હતા. મિલન પ્રધાનને માત્ર ૪૧,૬૭૪ મત મળ્યા હતા. હસીરાની રથ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના સ્વર્ગસ્થ પર્સનલ અસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથનાં મમ્મી છે. ચંદ્રનાથ રથની આ વર્ષે ૬ મેએ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી.
મુર્શિદાબાદ જિલ્લામાં મુસ્લિમ બહુમતી ધરાવતી રેજીનગર વિધાનસભા બેઠક પર BJPના શંખરાવ સરકારને પ્રચંડ જીત મળી છે. તેમણે હુમાયુ કબીરના ગઢને ધ્વસ્ત કર્યો છે. કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના ઉમેદવાર અને તેના પુત્ર ગુલામ નબી આઝાદનો ૭૫,૮૧૬ મતથી પરાજય થયો હતો. શંખરાવ સરકારને ૬૩.૧૪ ટકા એટલે કે ૧,૨૯,૯૧૪ મત અને આઝાદને ૨૬.૨૯ ટકા એટલે કે ૫૪,૦૯૮ મત મળ્યા હતા. ત્રીજા સ્થાને રહેલા કૉન્ગ્રેસના ઉમેદવાર અબ્દુલ્લાહિલ કાફીને માત્ર ૬૧૬૮ મત મળતાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
પૉન્ડિચેરીમાં થટ્ટનચાવડી વિધાનસભા બેઠક પર ઑલ ઇન્ડિયા એન. આર. કૉન્ગ્રેસ (AINRC)ના ઉમેદવાર અશોક આનંદને જીત મળી છે. તેમણે કૉન્ગ્રેસના ઉમેદવાર ઈ. વિનાયગમને ૮૪૮૨ મતથી પરાજિત કર્યા હતા. અશોક આનંદને ૧૩,૩૫૮ મત જ્યારે પરાજિત ઉમેદવારને માત્ર ૪૮૭૬ મત મળ્યા હતા.
આસામની નગાંવ લોકસભા બેઠક પર પણ BJPનો વિજય કોઈ રોકી શકે એમ નથી. BJPના ઉમેદવાર દેબાશિષ શર્માએ ૨૭મા રાઉન્ડના અંતે નિર્ણાયક એવી ૧.૪૧ લાખ મતની બહુમતી મેળવી લીધી હતી. દેબાશિષ શર્માને ૭,૧૩,૬૨૨ મત મળ્યા હતા અને તેઓ ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટના ઉમેદવાર મોહમ્મદ બદરુદ્દીન અજમલ કરતાં ૧,૪૧,૯૧૬ મતે આગળ હતા. મોહમ્મદ બદરુદ્દીનને ૫,૭૧,૭૦૬ મત મળ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની પોસ્ટમાં લોકોના સતત આશીર્વાદ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે BJPના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતાં અને પક્ષના કાર્યકરોની મહેનતની પ્રશંસા કરી હતી. વડા પ્રધાને NDAના સહયોગી AINRCને પૉન્ડિચેરીની થટ્ટનચાવડી બેઠક જીતવા બદલ પણ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ જનાદેશ લોકોના કલ્યાણ માટે કામ કરવાની અને તેમની અપેક્ષાઓ પૂરી કરવાની શક્તિ આપશે. તેમણે વધુ સારા અને સમૃદ્ધ ભવિષ્ય માટે કામ કરવાનું ચાલુ રાખવાની પણ વાત કરી હતી.