28 April, 2026 08:24 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નૉર્થ ૨૪ પરગણામાં પશ્ચિમ બંગાળની ચૂંટણીની છેલ્લી જનસભાને સંબોધી હતી નરેન્દ્ર મોદીએ. ગૃહપ્રધાન અમિત શાહે કલકત્તામાં ગઈ કાલે રોડ-શો કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. તૃણમૂલ કૉન્ગ્રેસનાં મમતા બૅનરજીએ કલકત્તામાં પોતાના જ મતવિસ્તાર ભવાનીપુરમાં હજારો સમર્થકો સાથે પદયાત્રા કરી હતી.
૨૯ એપ્રિલે એટલે કે આવતી કાલે પશ્ચિમ બંગાળમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. આ ફેઝમાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નું પ્રભુત્વ રહ્યું છે. આ તબક્કાની ૧૪૨ બેઠકોમાંથી કલકત્તા, હાવડા અને ૨૪ પરગણાની કુલ ૯૧ બેઠકો કોની સરકાર બનશે એનું ભવિષ્ય નક્કી કરશે એવું મનાય છે. એવામાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ જેવા નેતાઓ અને ઍક્ટર મિથુન ચક્રવર્તીએ ઠેર-ઠેર રૅલીઓ અને જનસભાને સંબોધન કર્યું હતું. TMCના નેતાઓએ પદયાત્રાઓ કરીને લોકોની વચ્ચે રહેવાનું પસંદ કર્યું હતું. મમતા બૅનરજીએ કલકત્તાના ભવાનીપુરમાં પદયાત્રા દરમ્યાન વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે TMC ડબલ સેન્ચુરી મારશે.
આ બેઠક પર મમતા બૅનરજી અને BJPના સુવેન્દુ અધિકારી આમનેસામને છે. છેલ્લી વિધાનસભામાં સુવેન્દુ અધિકારીએ મમતા બૅનરજીને તેમનો ગઢ ગણાતા નંદીગ્રામ પરથી હરાવ્યાં હતાં. આ વખતે સુવેન્દુ અધિકારી નંદીગ્રામ અને ભવાનીપુર એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સુવેન્દુ અધિકારીની ભવાનીપુરની ઉમેદવારી રદ કરવાની માગણી કરતી જનહિતની અરજી કરવામાં આવી હતી જે ગઈ કાલે કલકત્તા હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.
ગઈ કાલે કલકત્તામાં નૉર્થ ૨૪ પરગણામાં નરેન્દ્ર મોદીએ જનસભામાં બંગાળવાસીઓ સાથે ઇમોશનલ વાતો કરી હતી. તેમણે TMCના શાસનને વખોડવાની સાથે બંગાળવાસીઓને વિકાસનો ભરોસો આપતાં કહ્યું હતું કે ‘TMC પાસે બંગાળના ભવિષ્યનો કોઈ રોડમૅપ નથી. મહાજંગલરાજ છવાયેલું છે એને સુશાસિત કરવા માટે BJPને મોકો આપી જુઓ. અતીતમાં ભારત સમૃદ્ધ હતું અને એ સમયે ત્રણ મજબૂત સ્તંભ હતા : અંગ, બંગ અને કલિંગ. એટલે કે ઓડિશા, બંગાળ અને બિહાર. આજે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધવા બંગાળનો વિકાસ કરવો જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં મારા રોડ-શો મારા માટે રાજનીતિક કાર્યક્રમ નહોતા, એ તીર્થયાત્રા સમાન હતા. હું મા કાલીના ભક્તો વચ્ચે હોવાથી મને સતત નવી ઊર્જા મળતી રહી છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાંના ૧૧ દિવસ મેં અનુષ્ઠાન અને ઉપવાસ કર્યા હતા. આ ચૂંટણી દરમ્યાન પણ મને એવો જ ભાવ મહેસૂસ થયો છે. આજે મારી છેલ્લી જનસભા છે. આ વખતે બંગાળના લોકોનો મિજાજ જોઈને હું કહી શકું છું કે ચોથી મેએ પરિણામો આવ્યા પછી BJPના શપથસમારોહમાં હું આવીશ.’
જનસભા પૂરી થયા પછી તેમણે બંગાળવાસીઓને પત્ર પણ લખ્યો હતો, જેમાં BJPને મોકો આપવાની વાત કહીને એક સ્લોગન આપ્યું હતું : ‘ભય બહુત હુઆ, અબ ભરોસા ચાહિએ, અબ ભાજપા ચાહિએ’.
ચૂંટણીપંચે સોમવારે જાહેર કર્યું હતું કે ૨૦૨૬ના ફેબ્રુઆરી મહિનાથી ૨૭ એપ્રિલ સુધીમાં રાજ્યમાંથી ૫૧૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. એમાં ૩૦ કરોડ રૂપિયા કૅશ, ૧૨૬.૮૫ કરોડ રૂપિયાનો દારૂ, ૧૧૦ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ, ૫૮.૨૮ કરોડ રૂપિયાની કીમતી ધાતુઓ અને ૧૮૪.૮૫ કરોડ રૂપિયાની ફ્રીમાં વહેંચવાની સામગ્રીઓનો સમાવેશ હતો.
૨૦૨૧માં આ રકમ ૩૩૯ કરોડ રૂપિયા હતી. ચૂંટણીપંચે બંગાળમાં ૨૭૨૮ ફ્લાઇંગ સ્ક્વૉડ અને ૩૧૪૨ સર્વેલન્સ ટીમ તહેનાત કરી છે જે ચૂંટણી પહેલાં અપાતાં પ્રલોભનો અને દારૂ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.