13 March, 2026 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૉટ્સઍપે ૧૩ વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે પેરન્ટ દ્વારા મૅનેજ્ડ અકાઉન્ટનું ફીચર શરૂ કરવાની જાહેરાત કરી છે. એનાથી પેરન્ટ્સ પોતાનાં સંતાનોની ચૅટ, કૉન્ટૅક્ટ અને પ્રાઇવસી સેટિંગ્સ પર નજર રાખી શકશે. કંપનીના કહેવા મુજબ પેરન્ટ મૅનેજ્ડ અકાઉન્ટ નામનું આ ફીચર આવનારા મહિનાઓમાં ધીમે-ધીમે રોલઆઉટ કરવામાં આવશે. એને પરિવારો અને ઑનલાઇન સુરક્ષા વિશેષજ્ઞોની સલાહના આધારે બનાવવામાં આવ્યું છે જેથી નાનાં બાળકો દ્વારા વૉટ્સઍપનો ઉપયોગ વધુ સુરક્ષિત બનાવવામાં આવે.
૧૩ વર્ષથી નાનાં બાળકો માટેનું વૉટ્સઍપ અકાઉન્ટ તેમના પેરન્ટ્સ કે ગાર્ડિયન દ્વારા બનાવવામાં આવશે અને એનું નિયંત્રણ તેઓ પોતાના વૉટ્સઍપ અકાઉન્ટ સાથે જોડીને કરશે. આ અકાઉન્ટમાં સામાન્ય અકાઉન્ટની સરખામણીમાં વધુ સખત પ્રાઇવસી સેટિંગ અને ખૂબ જ સીમિત ફીચર્સ હશે. એમાં માત્ર પ્રાઇવેટ મેસેજ અને વૉઇસ-કૉલ જ થઈ શકશે. પેરન્ટ્સ એ પણ જોઈ શકશે કે બાળક કોની સાથે વધુ વાત કરે છે અને કેવાં ગ્રુપ્સમાં સામેલ છે.
પેરન્ટ-મૅનેજ્ડ અકાઉન્ટમાં અનેક લોકપ્રિય ફીચર્સ ઉપલબ્ધ નહીં હોય. જેમ કે સ્ટેટસ અપડેટ, ચૅનલ્સ અને મેટા AI જેવાં ફીચર્સ. આ ઉપરાંત વન-ટુ-વન ચૅટમાં ડિસઅપીઅરિંગ મેસેજનો વિકલ્પ પણ બંધ રહેશે. અજાણ્યા નંબર પરથી આવનારા મેસેજ સીધા મેસેજ રિક્વેસ્ટ્સ ફોલ્ડરમાં જશે. આ ફોલ્ડર મમ્મી-પપ્પાના PIN દ્વારા જ ખોલી શકાશે. બાળક જે કોઈ નવા કૉન્ટૅક્ટને જોડશે, બ્લૉક કરશે કે રિપોર્ટ કરશે એની સૂચના પણ પેરન્ટ્સને મળી જશે. આ પાબંદીઓ છતાં સુરક્ષા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન રહેશે.
જો મમ્મી-પપ્પા કે ગાર્ડિયન સંતાનોનું વૉટ્સઍપ અકાઉન્ટ બનાવવા માગતાં હોય તો તેમણે સાઇન-અપ દરમ્યાન જ પેરન્ટ-મૅનેજ્ડ અકાઉન્ટનો વિકલ્પ પસંદ કરવાનો છે. એ માટે બાળકની બર્થ-ડેટ નોંધવી પડશે.
અકાઉન્ટ સેટઅપ સમયે મમ્મી-પપ્પાનો ફોન અને બાળકનો ફોન બન્ને સાથે હોવા જરૂરી રહેશે જેથી બન્ને અકાઉન્ટને એકબીજા સાથે લિન્ક કરી શકાય. આ ઉપરાંત પેરન્ટ્સે એ પણ પુષ્ટિ કરવાની રહેશે કે તેઓ પુખ્ત છે. એ માટે સેલ્ફી દ્વારા ઓળખ સ્થાપિત કરવી પડી શકે છે.
સેટઅપ પૂરું થયા પછી પેરન્ટ્સ પોતાની ઍપમાં મોજૂદ પેરન્ટ કન્ટ્રોલ અને પ્રાઇવસી સેટિંગ્સના માધ્યમથી બાળકનું અકાઉન્ટ મૅનેજ કરી શકશે.