✕

હવે અજિંક્ય શિંદે કરશે CJPનું નેતૃત્વ

11 October, 2026 07:53 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા મુક્ત ન થાય ત્યાં સુધી અજિંક્ય શિંદે આ જવાબદારી નિભાવતા રહેશે. 

અજિંક્ય શિંદે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ-પ્રદર્શન પહેલાં અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી ઍરપોર્ટ પર અટકાયત થયા બાદ દીપકેએ ટોચના નેતૃત્વની ગેરહાજરીમાં આંદોલન ચાલુ રાખવાની જવાબદારી અજિંક્ય શિંદેને સોંપી છે. CJPના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પર જાહેર કરાયેલા એક વિડિયોમાં દીપકેએ જણાવ્યું હતું કે ‘જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો એનો અર્થ એ છે કે મારી, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરવામાં આવી છે. અમારી ગેરહાજરીમાં અજિંક્ય વિરોધ-પ્રદર્શન અને CJP આંદોલનનું નેતૃત્વ કરશે.’ અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા મુક્ત ન થાય ત્યાં સુધી અજિંક્ય શિંદે આ જવાબદારી નિભાવતા રહેશે. 

અજિંક્ય શિંદે કોણ છે?
૩૫ વર્ષનો અજિંક્ય શિંદે મહારાષ્ટ્રનો કમ્પ્યુટર સાયન્સનો ગ્રૅજ્યુએટ છે. આમ આદમી પાર્ટી (AAP)માં ફુલટાઇમ કાર્યકર તરીકે જોડાતાં પહેલાં તેણે પુણેમાં એક આંતરરાષ્ટ્રીય ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીમાં કામ કર્યું હતું. અજિંક્ય શિંદેનાં માતા-પિતા અલીબાગમાં ખેડૂત હતાં અને બાદમાં લાતુરમાં સ્થાયી થયાં હતાં.
અજિંક્ય ઘણાં વર્ષોથી અભિજિત દીપકેના નજીકનો સાથી રહ્યો છે. તે પહેલી વાર દીપકેને ૨૦૧૬માં ગોવામાં મળ્યો હતો અને ત્યારથી તેમની સાથે કામ કરી રહ્યો છે. ત્યાર બાદ તેઓ AAPની મહારાષ્ટ્ર ટીમમાં જોડાયા હતા, જ્યાં તેણે સોશ્યલ મીડિયા કો-ઑર્ડિનેટર અને મહારાષ્ટ્ર યુવા પાંખના કન્વીનર તરીકે સેવા આપી હતી. ૨૦૨૬ની ૬ ઑગસ્ટે દિપકે શિંદેને CJP ટીમમાં લાવ્યો અને તેને સંગઠનના પ્રભારી તરીકે નિયુક્ત કર્યો હતો. જોકે અજિંક્ય શિંદે અગાઉ જુલાઈમાં CJPના વિરોધ-પ્રદર્શન દરમ્યાન બૅકસ્ટેજ કામગીરી સંભાળી ચૂક્યો હતો.

યુટ્યુબર ધ્રુવ રાઠીની તેના ઘરેથી જ અટકાયત
પ્રખ્યાત યુટ્યુબર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ધ્રુવ રાઠીની ગઈ કાલે સવારે હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. દિલ્હી અને ગુરુગ્રામ પોલીસની સંયુક્ત ટીમે તેને ગુરુગ્રામના સેક્ટર 56માં કેન્દ્રીય વિહાર ખાતે તેનાં માતાપિતાના નિવાસસ્થાનેથી સવારે ૭.૪૮ વાગ્યે અટકાયતમાં લીધો હતો. તે દિલ્હીના જંતર મંતર પર CJPના વિરોધ-પ્રદર્શનમાં જોડાવા જઈ રહ્યો હતો. ધ્રુવ રાઠી ૮ ઑક્ટોબરે ભારત આવ્યો હતો. તેણે ૯ ઑક્ટોબરની રાત્રે પહેલાં બૅન્ગલોરમાં અને પછી દિલ્હીના ઇન્ડિયા ગેટથી વિડિયો શૅર કર્યા હતા અને લોકોને વિરોધ-પ્રદર્શનમાં જોડાવા માટે વિનંતી કરી હતી.

દિલ્હીમાં ૪ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોની અટકાયત  
દિલ્હી પોલીસે ગઈ કાલે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અરવિંદ કેજરીવાલ, મમતા બૅનરજી, પિનરાઈ વિજયન અને માણિક સરકારની અટકાયત કરી હતી. આ સિવાય અટકાયત કરાયેલા અન્ય લોકોમાં CPI(M)ના મહાસચિવ એમ. એ. બેબી, પીઢ ડાબેરી નેતા બ્રિંદા કરાત, CPI(ML) લિબરેશનના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, કાર્યકર યોગેન્દ્ર યાદવ અને વકીલ પ્રશાંત ભૂષણનો સમાવેશ થાય છે.

મમતા બૅનરજીની અટકાયત જ્ઞાનેશ કુમારના વિરુદ્ધ 
વિરોધ-પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મોં પર પટ્ટી બાંધીને વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ગઈ કાલે બપોરે બૅનરજીની અટકાયત કરવામાં આવી હતી. તેઓ સાઉથ એવન્યુ બસ-સ્ટૅન્ડ નજીક રસ્તા પર ધરણાં પર બેઠાં હતાં. તેમને પછી છોડી મૂકવામાં આવ્યાં હતાં.

૧૨૪ ભૂતપૂર્વ IAS અને IFS ઑફિસરોએ ઓપન લેટરમાં ચૂંટણીપંચ, SIR પ્રક્રિયાનો બચાવ કર્યો
દેશના ૧૨૪ જેટલા ભૂતપૂર્વ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અને ઇન્ડિયન ફૉરેન સર્વિસ (IFS) ઑફિસરોએ એક ઓપન લેટર લખીને ચૂંટણીપંચ અને એની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાનો મજબૂત રીતે બચાવ કર્યો છે. આ ભૂતપૂર્વ અમલદારોએ જણાવ્યું હતું કે ભારતની ચૂંટણીપ્રણાલીમાં ચૂંટણીની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે વોટર વેરિફિએબલ પેપર ઑડિટ ટ્રેઇલ (VVPAT) ચકાસણી સહિત અનેક સ્તરોની તપાસ અને સુરક્ષા છે. 

નેહા બોરાને અટકાયત બાદ છોડી દેવાઈ, ફોન થોડી વાર માટે લેવામાં આવ્યો
દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન અટકાયત કરાયા બાદ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશનની (AISA) અધ્યક્ષ નેહા બોરાને છોડી મૂકવામાં આવી હતી. તેણે દિલ્હી હાટ વિસ્તારમાં વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને ત્યાં મહિલા પોલીસ-ટુકડીએ તેને અટકાયતમાં લીધી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે થોડા સમય માટે મારો ફોન લઈ લીધો હતો. તેને મૈદાન ગઢી પોલીસ-સ્ટેશનમાં અટકાયતમાં રાખવામાં આવી હતી.

રાહુલ ગાંધી ચેન્નઈ પહોંચ્યા, મુખ્ય પ્રધાન વિજય સાથે લંચ કર્યુંકૉક્રૉચ જનતા પાર્ટી 
(CJP)ના દિલ્હીના વિરોધ-પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગઈ કાલે તામિલનાડુના પાટનગર ચેન્નઈ પહોંચ્યા હતા અને મુખ્ય પ્રધાન વિજયને મળ્યા હતા અને લંચ કર્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધીએ છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

national news india abhijit dipake cockroach janata party indian politics congress rahul gandhi