15 April, 2026 12:04 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારના BJPના લીડર તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા પછી સમ્રાટ ચૌધરીએ સૌનો આભાર માન્યો હતો
આજે બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરનારા સમ્રાટ ચૌધરીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય જનતા દલ (RJD)થી કરી હતી અને એક સમયે તેઓ નીતીશ કુમાર સાથે જનતા દલ યુનાઇટેડ (JDU)માં પણ રહી ચૂક્યા છે. ૨૦૧૭માં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા અને જ્યારે નીતીશ કુમાર RJD સાથેના સંબંધો તોડીને નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાયા ત્યારે તેમને પંચાયતી રાજ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઑગસ્ટ ૨૦૨૨માં સમ્રાટ ચૌધરીને બિહાર રાજ્ય BJPના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે તત્કાલીન મુખ્ય પ્રધાન નીતીશ કુમારને જબરદસ્ત ટક્કર આપવાનો દૃઢ નિર્ધાર દર્શાવ્યો હતો. ગઈ કાલે સાંજે બિહાર BJP વિધાનસભા પક્ષે સમ્રાટ ચૌધરીને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. ત્યાર બાદ સમ્રાટ ચૌધરીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને આજે શપથ લેશે. કુશવાહા જાતિના સમ્રાટ ચૌધરીને નીતીશ કુમારની નજીકના માનવામાં આવે છે.
સમ્રાટ ચૌધરીનો જન્મ ૧૯૬૮ની ૧૬ નવેમ્બરે મુંગેર જિલ્લાના લખનપુર ગામમાં થયો હતો. તેમના પિતા શકુનિ ચૌધરી છ વખત વિધાનસભ્ય અને સંસદસભ્ય રહ્યા હતા, જ્યારે તેમનાં માતા પાર્વતીદેવી તારાપુર મતવિસ્તારમાંથી વિધાનસભ્ય હતાં. સમ્રાટ ચૌધરીએ તેમનું પ્રાથમિક શિક્ષણ સ્થાનિક સ્તરે પૂરું કર્યું અને બાદમાં મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. સમ્રાટ ચૌધરીના ચૂંટણી ઍફિડેવિટ મુજબ તેમણે મદુરાઈની કામરાજ યુનિવર્સિટીમાંથી પ્રી-ફાઉન્ડેશન કોર્સ પૂરો કર્યો છે. તેમની પાસે સાહિત્યમાં માનદ ડૉક્ટરેટની પદવી પણ છે. પ્રી-ફાઉન્ડેશન કોર્સ એવા લોકો માટે છે જેમણે ઔપચારિક સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું નથી અને સીધા ઉચ્ચ શિક્ષણ મેળવવા માગે છે.
સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવ સાથે ૧૯૯૦માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. મે ૧૯૯૯માં તેઓ રાબડીદેવીની સરકાર દરમ્યાન બિહારના કૃષિપ્રધાન બન્યા હતા. તેઓ ૨૦૦૦ અને ૨૦૧૦માં પરબટ્ટા વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા. ૨૦૧૦માં તેઓ બિહાર વિધાનસભામાં વિપક્ષના ચીફ વ્હિપ બન્યા હતા. મૂળ RJD અને JDU સાથે જોડાયેલા સમ્રાટ ચૌધરીએ ૨૦૧૪માં RJDમાં ભાગલા પાડવાનું આયોજન કર્યું હતું અને ૧૩ વિધાનસભ્યોને તોડીને એક અલગ જૂથ બનાવ્યું હતું. જોકે ૨૦૧૭માં BJPમાં જોડાયા પછી તેમનું કદ ઝડપથી વધ્યું હતું. ૨૦૨૦ની ચૂંટણી પછી જ્યારે સુશીલકુમાર મોદીને બિહારમાંથી દૂર કરવામાં આવ્યા અને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી ત્યારે સમ્રાટ ચૌધરીની પાર્ટીમાં પ્રગતિનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો હતો. ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
સમ્રાટ ચૌધરીના પિતા શકુનિ ચૌધરી પણ એક અનુભવી રાજકારણી છે અને લાલુ પ્રસાદ યાદવ અને નીતીશ કુમારના જમણા હાથ સમાન રહી ચૂક્યા છે. શકુનિ ચૌધરી સમતા પાર્ટીના સ્થાપક સભ્ય છે. શકુનિ ચૌધરી અને સમ્રાટ ચૌધરીનો રાજકીય પ્રભાવ મુંગેર અને ખગરિયા પટ્ટામાં મજબૂત છે. તેમની પત્નીનું નામ મમતાકુમારી છે.
૨૦૨૫ની વિધાનસભાની માટેના ચૂંટણી ઍફિડેવિટ મુજબ સમ્રાટ ચૌધરી અને તેમના પરિવાર પાસે આશરે કુલ ૧૧.૩૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાં વ્યક્તિગત અને પારિવારિક સંપત્તિનો સમાવેશ થાય છે. તેમની પાસે ૪ લાખ રૂપિયાની કિંમતની રાઇફલ અને બે લાખ રૂપિયાની કિંમતની રિવૉલ્વર છે. તેમના પર કોઈ બૅન્ક-દેવું નથી.
આ દંપતી પાસે આશરે ૪૦ લાખ રૂપિયાનું સોનું છે. તેમણે શૅર, બૉન્ડ અને મ્યુચ્યુઅલ ફન્ડમાં આશરે ૩૨ લાખ અને વીમાપૉલિસીમાં ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. સમ્રાટ ચૌધરીએ તેમના PPF ખાતામાં ૧૦ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. સમ્રાટ ચૌધરી મુંગેરના તારાપુર, માણિકપુર અને ખાજપુરામાં ૮ કરોડ રૂપિયાથી વધુની ખેતીલાયક અને બિનકૃષિ જમીન ધરાવે છે. તેમની પત્ની પટનામાં ૫૦ લાખની ખેતીલાયક જમીન અને ૫૮ લાખનું કમર્શિયલ બિલ્ડિંગ ધરાવે છે.
સમ્રાટ ચૌધરીએ ૨૦૦૭માં મમતાકુમારી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ પ્રણય ચૌધરી અને પુત્રીનું નામ ચારુ પ્રિયા છે.