28 June, 2026 11:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
BJPએ ઇન્ડિયા ગેટ પાસે માફી માગતી રાહુલ ગાંધીની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (Al) જનરેટેડ પ્રતિમાની એક તસવીર શૅર કરી હતી જેમાં ‘રાહુલ ગાંધી-માફીવીર’ લખેલું છે
કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય ચૌહાણનું નામ પનામા પેપર્સના કૌભાંડમાં લેવાના કેસમાં થયેલા માનહાનિના કેસમાં કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ માફી માગી લીધી છે. આના પગલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાહુલ ગાંધીને માફીવીર તરીકે પ્રોજેક્ટ કર્યા છે. BJPએ ઇન્ડિયા ગેટ પાસે માફી માગતી રાહુલ ગાંધીની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (Al) જનરેટેડ પ્રતિમાની એક તસવીર શૅર કરી હતી જેમાં ‘રાહુલ ગાંધી-માફીવીર’ લખેલું છે. રાહુલ ગાંધી માફીવીર શબ્દ સ્વાતંયવીર સાવરકર માટે વાપરે છે. BJPએ રાહુલ ગાંધીએ કોર્ટમાં માફી માગી હોય એવા વિવિધ સમયને યાદ કર્યા છે અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે ૭ વાર માફી માગી લીધી છે.
શું હતો કેસ?
આ કેસ ભોપાલની સંસદસભ્ય-વિધાનસભ્ય કોર્ટમાં દાખલ કરાયેલી માનહાનિની ફરિયાદ સાથે સંબંધિત છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ૨૦૧૮માં ઝાબુઆમાં યોજાયેલી એક ચૂંટણીરૅલી દરમ્યાન રાહુલ ગાંધીએ પનામા પેપર્સ લીક કેસનો ઉલ્લેખ કરતી વખતે કાર્તિકેય ચૌહાણનું નામ લીધું હતું, જેનાથી તેમની અને તેમના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. આ કેસમાં રાહુલ ગાંધીએ માફી માગી લીધી હતી.
કેન્દ્ર સરકારે ઑપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ૬ બહાદુરોનાં નામ જાહેર કર્યા પછી કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહનો એક જૂનો વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે સંરક્ષણપ્રધાન સંસદમાં ખોટું બોલ્યા હતા. આ વિડિયો ૨૦૨૫ની ૨૮ જુલાઈનો છે જેમાં રાજનાથ સિંહે સંસદમાં કહ્યું હતું કે ઑપરેશન સિંદૂરમાં કોઈ પણ સૈનિકને નુકસાન થયું નથી. આ વિડિયો શૅર કરીને સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે ‘આનો અર્થ એ છે કે રાજનાથ સિંહ ખોટું બોલી રહ્યા હતા. સંસદને જાણી જોઈને ગેરમાર્ગે દોરવામાં આવી હતી. આ માત્ર ગૃહનું અપમાન અને સંસદીય વિશેષાધિકારનો ભંગ જ નથી, પરંતુ એ શહીદોનું ગંભીર અપમાન પણ છે, જેમની શહાદત આ સરકારે પોતાની ખોટી છબી બનાવવા માટે સંસદમાં નકારી કાઢી હતી.’