18 April, 2025 07:13 AM IST | Meerut | Gujarati Mid-day Online Correspondent
રવિતા અને મૃતક અમિત કશ્યપ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
મેરઠના સૌરભનો ભયાનક હત્યાકાંડ હજી પણ ચર્ચામાં છે અને હવે ફરી આ જ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેરઠના અકબરપુર સદાત ગામમાં, એક મહિલાએ તેના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને એવું નાટક રચ્યું જેથી લોકોને લાગે કે તેનું મૃત્યુ સાપ કરડવાથી થયું છે. પોતાનો ગુનો છુપાવવા માટે મૃતક અમિત કશ્યપના પલંગ નીચે સાપ પણ મૂકી દેવામાં આવ્યો હતો. પહેલી નજરે પોલીસને લાગ્યું કે અમિતનું મૃત્યુ સાપના ડંખ મારવાથી જ થયું છે, પરંતુ પરિવારને આ પત્નીએ ઘડેલું કાવતરું હોવાની શંકા હતી. તેમની માગણી પર, અમિત કશ્યપનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે તેમાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે મિકી ઉર્ફે અમિત કશ્યપનો મૃતદેહ તેના પલંગ પર મળી આવ્યો હતો અને તેની નજીક એક સાપ પણ મળી આવ્યો હતો. તેના શરીર પર ડંખના નિશાન પણ જોવા મળ્યા હતા. આ કારણે પડોશીઓ અને પોલીસને લાગ્યું કે અમિતનું મૃત્યુ સાપના ડંખ મારવાથી થયું છે. પરંતુ અમિતના પરિવારે આ વાત માની નહીં, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિવારની શંકા સાચી સાબિત થઈ. રિપોર્ટમાં ખુલાસો થયો કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં પણ ગૂંગળામણથી થયું હતું. આ વાત બહાર આવતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી દીધી. અંતે, જ્યારે પોલીસને અમિતની પત્ની રવિતાનું વલણ શંકાસ્પદ લાગ્યું, ત્યારે તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી. આ પછી તેના પ્રેમી અમરદીપની પણ ધરપકડ કરવામાં આવી. બંનેએ કબૂલાત કરી કે તેમણે અમિતની હત્યા સાથે મળીને કરી હતી અને તેઓ ગેરકાયદેસર સંબંધમાં હતા.
મેરઠ ગ્રામીણ એસપી રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે અમરદીપે મેરઠના મહમૂદપુર શીખેડા ગામના એક મદારી પાસેથી 1000 રૂપિયામાં સાપ ખરીદ્યો હતો. હત્યાની રાત્રે, રવિતા અને અમરદીપ અમિત કશ્યપના ભોજન પૂર્ણ કરીને સૂઈ જવાની રાહ જોતા હતા. તેઓ બધાને બતાવવા માગતા હતા કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી જ થયું છે. સાપને પકડવા માટે એક મદારીને પણ બોલાવવામાં આવ્યો અને તેણે પણ કહ્યું કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી થયું છે, પછી વન વિભાગે તે સાપને જંગલમાં છોડી દીધો.
ગામના લોકોને પહેલાથી જ આ ઘટના પર હતી શંકા
કેટલાક ગામના લોકોએ પરિવારને પોસ્ટમોર્ટમ માટે સલાહ આપી. રિપોર્ટમાં જ્યારે હત્યાનો ખુલાસો થયો, ત્યારે પોલીસે રવિતા અને અમરદીપની ધરપકડ કરી. બંનેએ કહ્યું કે તેઓ એક વર્ષથી રિલેશનશિપમાં હતા. અમિત સાથે મજૂરી કરતો અમરદીપ વારંવાર તેના ઘરે આવતો હતો. ગામના લોકોને પહેલાથી જ બંને પર શંકા હતી. આ કારણે લોકોએ અમિતના અચાનક મૃત્યુ થવા પર શંકા વ્યક્ત કરી. પોલીસ અહેવાલો મુજબ અમિતને થોડા સમય પહેલા તેની પત્નીના ગેરકાયદેસર સંબંધ વિશે ખબર પડી ગઈ હતી અને તે તેનો વિરોધ કરતો હતો. આ કારણે રવિતા અને અમરદીપે તેની હત્યા કરી. આ હત્યા પહેલા, બંનેએ ગુગલ અને યુટ્યુબ પર હત્યા કરવાની ઘણી પદ્ધતિઓ પણ શોધી હતી.