14 September, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીનાં પત્ની એશન્યા દ્વિવેદી
પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીનાં પત્ની એશન્યા દ્વિવેદીએ એશિયા કપમાં આજની ભારત-પાકિસ્તાનની મૅચ પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘પાકિસ્તાન સાથે મૅચ રમવાનો અર્થ એ છે કે ૨૬ પરિવારોના લોકોની શહાદતનો ક્રિકેટ બોર્ડ માટે કોઈ અર્થ નથી. દેશવાસીઓએ મૅચનો બહિષ્કાર કરવો જોઈએ. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ સ્વીકારવી જોઈતી નહોતી. આપણા પોતાના દેશના લોકો આવું કરીને મોટી ભૂલ કરી રહ્યા છે. મને લાગે છે કે ક્રિકેટ બોર્ડ એ ૨૬ પરિવારો પ્રત્યે લાગણીશીલ નથી. એ પરિવારો અને એ પછી ઑપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોની શહાદતનો તેમના માટે કોઈ અર્થ નથી. કદાચ આ એટલા માટે છે કારણ કે તેમના પરિવારમાંથી કોઈ ગયું નથી. કદાચ ક્રિકેટ બોર્ડના સભ્યોના પરિવારમાંથી કોઈ ગયું નથી.’
ભારતીય ક્રિકેટરોની સંવેદનશીલતા પર પણ સવાલ ઉઠાવતાં ઐશન્યાએ કહ્યું હતું કે ‘એકાદ ક્રિકેટર સિવાય કોઈ પણ ક્રિકેટર આ મુદ્દે આગળ આવીને એવું કહેવા માગતો નથી કે અમે પાકિસ્તાન સાથે મૅચ રમવા માગતા નથી. ક્રિકેટરોએ પોતાનો પક્ષ મૂકવો જોઈએ, ક્રિકેટ બોર્ડ તમારા પર બંદૂક રાખીને તમને રમવા માટે દબાણ કરશે નહીં. તમારે તમારા દેશ માટે ઊભા રહેવું જોઈએ, પરંતુ તેઓ એવું નથી કરી રહ્યા. હું પ્રાયોજકોને અને પ્રસારણકર્તાઓને પણ પૂછવા માગું છું કે શું તમે એ ૨૬ પરિવારો પ્રત્યેની લાગણી ગુમાવી દીધી છે? તમારા પાડોશી દેશે તમારા દેશમાં ઘૂસીને તમારા લોકોને હિન્દુ છે કે નહીં એ પૂછીને મારી નાખ્યા. તમે ફક્ત તેમનો ચહેરો જોઈને તેમની સાથે મૅચ રમશો. શું તેમની આંખોએ આંસુ ગુમાવી દીધાં છે?’
ઐશન્યાએ દેશવાસીઓને સંબોધીને કહ્યું હતું કે ‘તમે એ દેશ સાથે મૅચ રમશો, તમે એ દેશને આવક આપશો, એને ફરીથી આપણા પર હુમલો કરવા માટે તૈયાર કરશો? હું હાથ જોડીને લોકોને અપીલ કરું છું કે લોકો આ મૅચનો બહિષ્કાર કરે. એ દિવસે મૅચ ન જુઓ, ટીવી ન જુઓ. જો તમે મૅચ નહીં જુઓ તો પૈસા તેમના ઘરે નહીં આવે. તેથી કદાચ આપણે એક નાનો ફેરફાર લાવી શકીએ. ક્રિકેટ બોર્ડે ભારત-પાકિસ્તાનની મૅચ માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે કે આપણે બીજા દેશમાં જઈને રમીશું. આ મૅચ દુબઈમાં થઈ રહી છે. આ મૅચ ન થવી જોઈએ. હવે આપણી પાસે એનો બહિષ્કાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.’
આ મૅચમાંથી જે પણ આવક થશે એનો ઉપયોગ કોના માટે થશે? પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ ફક્ત ને ફક્ત આતંકવાદ માટે કરશે, કારણ કે પાકિસ્તાનમાં આવતો દરેક પૈસો ફક્ત આતંકવાદ પર ખર્ચ થાય છે. એ દેશ ફક્ત એક આતંકવાદી દેશ છે.