સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત : રાજ્યસભામાં ૧૨૧ ટકા, લોકસભામાં ૧૧૧ ટકા કામ સંપન્ન

20 December, 2025 11:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સત્રની સમાપ્તિ પર થતી પરંપરાગત ચા-પાર્ટીમાં કૉન્ગ્રેસ વતી પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર રહ્યાંઃ સંસદમાં તડાફડી કરતા નેતાઓ હળવી વાતોમાં પરોવાયેલા જોવા મળ્યા

આ સત્રમાં રાજ્યસભામાં ૧૨૧ ટકા જ્યારે લોકસભામાં ૧૧૧ ટકા ઉત્પાદકતા જોવા મળી હતી

સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલે સમાપ્ત થયું હતું. આ સત્રમાં રાજ્યસભામાં ૧૨૧ ટકા જ્યારે લોકસભામાં ૧૧૧ ટકા ઉત્પાદકતા જોવા મળી હતી. જોકે અનેક પ્રયાસો છતાં વાયુ-પ્રદૂષણ પર ચર્ચા થઈ શકી નહોતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે અઢારમી લોકસભાના છઠ્ઠા સત્રમાં ગૃહની ૧૫ બેઠકો યોજાઈ હતી. વિવિધ બંધારણીય અને અન્ય કામકાજને કારણે સત્રની ઉત્પાદકતા લગભગ ૧૧૧ ટકા હતી.

રાજ્યસભાના અધ્યક્ષ તરીકે સી. પી. રાધાકૃષ્ણનનું આ પહેલું સત્ર હતું. રાજ્યસભાના ૨૬૯મા સત્રના સમાપન સમયે સી. પી. રાધાકૃષ્ણને ગૃહને માહિતી આપી હતી કે આ સત્રમાં સંસદીય કાર્ય ઉત્તમ રહ્યું હતું. ગૃહે આશરે કુલ ૯૨ કલાક કામ કર્યું હતું જેનાથી ૧૨૧ ટકા ઉત્પાદકતા પ્રાપ્ત થઈ હતી. બંધારણીય અને અન્ય કામકાજને સરળ કરવા માટે ગૃહે પાંચ દિવસ માટે મોડા બેસવાનો અથવા લંચ-બ્રેક છોડી દેવાનો નિર્ણય લીધો હતો. આ સત્રમાં શૂન્ય કલાક દરમ્યાન આપવામાં આવેલી નોટિસની સંખ્યા અભૂતપૂર્વ હતી. રાજ્યસભાને દરરોજ સરેરાશ ૮૪ નોટિસ મળી હતી, જે અગાઉનાં બે સત્રોની તુલનામાં ૩૧ ટકાનો વધારો છે. ઝીરો અવર દરમ્યાન દરરોજ સરેરાશ પંદરથી વધુ મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા જે અગાઉનાં સત્રોની તુલનામાં લગભગ ૫૦ ટકાનો વધારો છે. વધુમાં સત્ર દરમ્યાન ૫૮ તારાંકિત પ્રશ્નો, ૨૦૮ ઝીરો અવર સબમિશન અને ૮૭ ખાસ ઉલ્લેખ ઉઠાવવામાં આવ્યા હતા. ગૃહે સત્ર દરમ્યાન ૮ બિલ પસાર કર્યાં હતાં.

રાજ્યસભામાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી જેમાં વન્દે માતરમ્‍‍ની ૧૫૦મી વર્ષગાંઠ અને ચૂંટણીસુધારાઓ પર ચર્ચાનો સમાવેશ થાય છે. વન્દે માતરમ્‍‍ની બે દિવસની ખાસ ચર્ચામાં ૮૨ સભ્યોએ ભાગ લીધો હતો. ચૂંટણીસુધારા પર ત્રણ દિવસની ચર્ચામાં ૫૭ સભ્યોએ પોતાનાં સૂચન રજૂ કર્યાં હતાં. જોકે વાયુ-પ્રદૂષણ પર ચર્ચા થઈ શકી નહોતી. સભ્યોએ શિવરાજ સિંહ ચૌહાણના ભાષણ દરમ્યાન ગૃહમાં બિલની નકલો ફાડી નાખીને ફેંકી હતી એ ઘટનાને ટાંકીને તેમણે કહ્યું હતું કે આનાથી વાતાવરણમાં ખલેલ પહોંચી હતી.

પરંપરા મુજબ તમામ પાર્ટીના નેતાઓની ચા-પાર્ટી થઈ

દરેક સંસદના સત્રની સમાપ્તિ પછી પરંપરા મુજબ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પાર્ટીઓના નેતાઓને ચા પાર્ટી આપી હતી. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. ગયા સત્રમાં આ પાર્ટીમાં કૉન્ગ્રેસ તરફથી કોઈ હાજર નહોતું રહ્યું, પરંતુ આ વખતે પ્રિયંકા ગાંધી વાડ્રા ચા-પાર્ટીમાં આવ્યાં હતાં. બે દિવસ પહેલાં પ્રિયંકા ગાંધી લોકસભાના સત્ર દરમ્યાન જાહેરમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી સાથે મીટિંગનો સમય માગીને મળી આવ્યા હતા.

Rajya Sabha Lok Sabha om birla jp nadda parliament national news news