06 March, 2025 06:59 AM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
યોગી આદિત્યનાથ અને આબુ આઝમી
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના મુદ્દા પર આપેલા નિવેદન પર હવે ઉત્તર પ્રદેશમાં પણ રાજકારણ ગરમાયું છે. યુપી વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં આ મુદ્દા પર ટિપ્પણી કરીને આઝમીની ઔરંગઝેબને સારો ઝાટકણી કાઢી હતી.
મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે “સમાજવાદી પાર્ટી ઔરંગઝેબને આદર્શ માને છે. ઔરંગઝેબના પિતા શાહજહાંએ તેમના જીવનચરિત્રમાં લખ્યું છે કે ભગવાન ના કરે કે આવો દુ:ખી વ્યક્તિ જન્મે નહીં. તેણે પોતાના પિતાને આગ્રા કિલ્લામાં કેદ કર્યા. એ બદમાશ (આઝમી)ને પાર્ટીમાંથી કાઢી મુકો. તેને એકવાર યુપી મોકલો, અમે તેની સારવાર કરાવીશું. શું તેને ભારતમાં રહેવાનો અધિકાર હોવો જોઈએ? સમાજવાદી પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ કે તેઓ અબુ આઝમીને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢતા નથી?”
સીએમ યોગીએ કહ્યું કે હું “સમાજવાદી પાર્ટીના મિત્રોને કહેવા માગુ છું કે જો તમને ભારતના વારસા પર ગર્વ નથી, તો ઓછામાં ઓછું તમારે રામ મનોહર લોહિયાની વાત સાંભળવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની એકતાના ત્રણ પાયા છે - ભગવાન રામ, ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ. મુખ્યમંત્રીએ કહ્યું કે ડૉ. રામ મનોહર લોહિયા એક કટ્ટર સમાજવાદી હતા. આજે સમાજવાદી પાર્ટી લોહિયાજીના વિચારોથી ઘણી દૂર નીકળી ગઈ છે. આજે ભારતના વારસાને શાપ આપવો એ સમાજવાદી પાર્ટીનો ઉદ્દેશ્ય બની ગયો છે.” તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી ઔરંગઝેબને આદર્શ માને છે. ઔરંગઝેબના પિતા શાહજહાં તેમના જીવનચરિત્રમાં લખે છે કે ભગવાન ના કરે કે આવો દુ:ખી વ્યક્તિ જન્મે નહીં. તેણે પોતાના પિતાને આગ્રા કિલ્લામાં કેદ કર્યા.
અબુ આઝમીએ શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ સોમવારે મુઘલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરી. અબુ આઝમીએ મીડિયાને કહ્યું હતું કે ઔરંગઝેબ ન્યાયપ્રેમી રાજા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારત ‘સોને કી ચિડિયા’ (સોનાનું પક્ષી) બન્યું. હું ઔરંગઝેબને ક્રૂર શાસક નથી માનતો. ઔરંગઝેબના સમયમાં, તે રાજકારણ માટે લડાઈ હતી, ધર્મ માટે નહીં, તે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડાઈ નહોતી.
બુધવારે વહેલી સવારે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પરની ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને ચાલુ બજેટ સત્રના સમગ્ર સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા. સમાજવાદી પાર્ટી (SP) ના ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું કે “રાષ્ટ્રીય નાયકોનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો અને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ પરની ટિપ્પણી બદલ મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સમગ્ર બજેટ સત્ર માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો તે અન્યા છે.” તેમણે દલીલ કરી હતી કે તેઓ ફક્ત સતીશ ચંદ્ર અને ડૉ. રામ પુનિયાની જેવા ઇતિહાસકારો અને લેખકોએ ઔરંગઝેબના શાસન વિશે લખેલી વાતો કહી હતી.