21 February, 2025 06:59 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભમાં સંગમના પાણીની ગુણવત્તા પર ઊઠી રહેલા સવાલ વિશે જવાબ આપ્યો છે. તેમણે વિધાનસભા સત્ર દરમ્યાન સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ‘સંગમનું પાણી ન માત્ર નહાવા માટે, પરંતુ આચમન (પીવા) માટે પણ યોગ્ય છે. આ મહાકુંભને બદનામ કરવાના કાવતરાનો એક હિસ્સો છે.’
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સામે રિપોર્ટ રજૂ કરતાં દાવો કરવામાં આવ્યો હતો કે મહાકુંભમાં સંગમનું પાણી નહાવા યોગ્ય નથી, પાણીમાં ફીકલ કૉલિફૉર્મનું પ્રમાણ ગુણવત્તા અનુસાર નથી.
ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા ગરમ લોહીના પ્રાણીઓ અને મનુષ્યોનાં આંતરડાંમાં મળી આવે છે. એને સામાન્ય રીતે પાણીમાં સંભવિત પ્રદૂષણના સંકેત તરીકે માનવામાં આવે છે, કારણ કે એની હાજરીથી ખબર પડે છે કે પાણીમાં હાનિકારક રોગાણુ પણ હોઈ શકે છે, જેમ કે વાઇરસ, પરજીવી અથવા અન્ય કોઈ બૅક્ટેરિયા જે જાનવર અને મનુષ્યનાં આંતરડાથી નીકળનારા મળની સાથે ઉત્પન્ન થાય છે.