06 December, 2025 08:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતમાં લાખો લોકોનાં એવાં નાણાં અનક્લેમ્ડ છે જે તેમને અથવા તેમના પરિવારોને ખબર નથી. જૂનાં બૅન્ક-ખાતાંઓ, ભુલાઈ ગયેલી ફિક્સ્ડ ડિપોઝિટ (FD), બંધ પડેલાં ખાતાંઓ, જૂની FD, જૂના શૅર અથવા મૅચ્યોર થયેલી FD સહિત નાણાકીય સંસ્થાઓ અને બૅન્કોમાં કુલ ૬૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ દાવા વિના પડી રહી છે.
આ એ પૈસા છે જે વર્ષો સુધી બિનઉપયોગને કારણે નિષ્ક્રિય થઈ ગયા હતા અને પછીથી અનક્લેમ્ડ વર્ગમાં ખસેડવામાં આવ્યા હતા. હવે સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ આ ભુલાઈ ગયેલા પૈસા એના અસલી માલિકોને પરત કરવા માટે એક વિશાળ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે.
છેલ્લાં ત્રણ વર્ષથી ઝુંબેશ
આ સંદર્ભમાં કેન્દ્રીય નાણારાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘એપ્રિલ ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ત્રણ વર્ષમાં ૩૩ લાખથી વધુ નિષ્ક્રિય ખાતાંઓ ફરીથી સક્રિય કરવામાં આવ્યાં છે અને આ ખાતાંઓમાં ૧૦,૨૯૭ કરોડ રૂપિયાથી વધુની રકમ લોકોને પાછી આપવામાં આવી છે. આ પહેલી વાર છે જ્યારે આટલી મોટી અનક્લેમ્ડ રકમને એના સાચા માલિકોને પરત કરવામાં આવી છે.’
‘તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાન
ઑક્ટોબર ૨૦૨૫માં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ‘તમારા પૈસા, તમારો અધિકાર’ નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે જેથી તેઓ સમજી શકે કે તેમના ભૂલી ગયેલા પૈસા પાછા મેળવી શકાય છે. ઘણા લોકો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે તેમના પિતા, દાદા અથવા તો પોતાનાં જૂનાં ખાતાંઓમાં પૈસા પડી શકે છે જે હવે બૅન્ક-રેકૉર્ડમાં અનક્લેમ્ડ તરીકે દેખાય છે.
આવી રીતે લોકોને પૈસા પાછા મળશે
આ સરકારી ઝુંબેશ દરેક ગામ અને શહેરના લોકોને તેમના નામે દાવો ન કરાયેલા પૈસા કેવી રીતે શોધી અને પાછા મેળવી શકાય એ વિશે માહિતી પૂરી પાડી રહી છે. આ ઉપરાંત RBIએ દાવો ન કરાયેલી બૅન્ક-થાપણો શોધવા, ઓળખવા અને દાવો કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ખાસ એક વર્ષનું અભિયાન શરૂ કર્યું છે.
અનક્લેમ્ડ નાણાં શું છે?
જો સતત ૧૦ વર્ષ સુધી બૅન્ક-ખાતામાં કોઈ ગતિવિધિ ન હોય તો બૅન્ક એને અનક્લેમ્ડ શ્રેણીમાં મૂકે છે. આમાં બચત ખાતાં, ચાલુ ખાતાં, FD અને RD અને પરિપક્વ થાપણો સામેલ છે જે ક્યારેય ઉપાડવામાં આવી નથી.