20 December, 2025 10:03 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent
ઝુબીન ગર્ગ
આસામ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ સિંગાપોરમાં લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ વિશે ગયા અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સનસનાટીભર્યા ખુલાસા કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં જણાવાયા અનુસાર ઝુબીનને નશામાં ધૂત થઈને દરિયામાં તરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો અને તેને બચાવવા માટે કોઈ પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા નહોતા. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વ સરમા વારંવાર કહી ચૂક્યા છે કે ઝુબીન ગર્ગનું મૃત્યુ એ અકસ્માત નહીં, હત્યા છે.
ચાર્જશીટમાં છ અલગ-અલગ વ્ય્કિત પર આરોપો મૂકવામાં આવ્યા હતા. મૅનેજર સિદ્ધાર્થ શર્માએ ઝુબીનને નશામાં તરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. શ્યામકાનુ મહંતા, શેખર જ્યોતિ ગોસ્વામી,
અમૃતપ્રવા મહંતા સામે હત્યાનો આરોપ છે. ઝુબીનના પિતરાઈ ભાઈ અને આસામના પોલીસ-અધિકારી સંદીપન ગર્ગ પર સદોષ માનવહત્યાનો આરોપ છે અને અંગત સુરક્ષા-અધિકારીઓ નંદેશ્વર બોરા અને પરેશ વૈશ્ય પર સિંગાપોરનો પ્રવાસ ન કર્યો હોવા છતાં તેમની સામે ગુનાહિત કાવતરું અને વિશ્વાસભંગનો આરોપ મુકાયો છે.
સિંગાપોર સત્તાવાળાઓના મૃત્યુ-પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ ડૂબી જવાથી થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે આસામ પોલીસે શોધી કાઢ્યું હતું કે ઘટના વખતે તે નશામાં હતો. પોલીસે ચાર જણ પર હત્યાનો આરોપ લગાવ્યો છેેે. બાવીસમી ડિસેમ્બરે સેશન્સ કોર્ટમાં ટ્રાયલ શરૂ થશે. ચાર્જશીટમાં ૩૯૪ સાક્ષીઓનો ઉલ્લેખ છે, જેમાં સિંગાપોરમાં રહેતા ૧૦ આસામી લોકો અને સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારીઓનો સમાવેશ છે. બાકીનાઓમાં મોટી સંખ્યામાં પોલીસ અને તબીબી તપાસકર્તાઓ, આસામ અને ભારતના અન્ય ભાગોના ડૉક્ટરો, ઝુબીન અને આરોપીના મિત્રો, પરિવાર અને પરિચિતો તથા આસામમાં વિવિધ નાગરિક સંગઠનોના સભ્યોનો સમાવેશ છે.
આસામના પ્રખ્યાત ગાયક દિવંગત ઝુબીન ગર્ગના મૃત્યુ વિશે એક મોટું નિવેદન જાહેર કરતાં સિંગાપોર પોલીસે જણાવ્યું હતું કે ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાવતરાની શંકા નથી. સિંગાપોર પોલીસ ફોર્સે (SPF) કહ્યું છે કે અમારી અત્યાર સુધીની તપાસના આધારે પોલીસને ગર્ગના મૃત્યુમાં કોઈ ગેરરીતિની શંકા નથી. આ કેસની તપાસ પૂર્ણ થયા પછી તારણો સિંગાપોરના સ્ટેટ કોરોનર એટલે કે મૃત્યુ સમીક્ષકને સુપરત કરવામાં આવશે. આ તપાસનો રિપોર્ટ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૬માં થવાની નિર્ધારિત છે. SPFએ સમજાવ્યું કે મૃત્યુનું કારણ અને સંજોગો નક્કી કરવા માટે મૃત્યુ સમીક્ષકની આગેવાની હેઠળની પ્રક્રિયા જરૂરી છે.
સિંગાપોર પોલીસે જણાવ્યું હતું કે ‘અમે આ બાબતે સંપૂર્ણ અને વ્યાવસાયિક તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે સામેલ તમામ પક્ષોને ધીરજ અને સમજણ માટે અપીલ કરીએ છીએ. અમે જનતાને અનુમાન લગાવવા અથવા અપ્રમાણિત માહિતી ફેલાવવાથી દૂર રહેવાની વિનંતી કરીએ છીએ.’