26 November, 2025 09:32 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
હિમંતા બિસ્વા સરમા
આસામમાં વિધાનસભાના શીતકાલીન સત્રના પહેલા જ દિવસે સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુનો મુદ્દો ગરમાયો હતો. વિપક્ષે એના પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સ્પીકરે મંજૂરી આપી હતી. એ પછી મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જરાય શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ કહ્યું હતું કે ‘આસામ પોલીસે કરેલી તપાસ મુજબ ઝુબીન ગર્ગનું મૃત્યુ કોઈ આકસ્મિક દુઘર્ટના નહોતી પરંતુ સ્પષ્ટ અને સીધું મર્ડર હતું. આ કોઈની બેજવાબદારી પણ નહોતી પરંતુ સમજી-વિચારીને ષડયંત્ર ઘડીને કરવામાં આવેલી હત્યા હતી. આ ગુનો કરવા પાછળનું કારણ આસામની જનતાને ચોંકાવી દેશે.’
તપાસ સમિતિ
ઝુબીનના મૃત્યુની તપાસ માટે આસામ સરકારે એક સમિતિ બનાવી છે જેનું નેતૃત્વ ગુવાહાટી હાઈ કોર્ટના જજ જસ્ટિસ સૌમિત્ર કરશે. આસામના સ્ટેટ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ૨૯૨ સાક્ષીઓની પૂછપરછ કરીને ૨૯ વસ્તુઓ જપ્ત કરી છે. આ કેસમાં સિંગોપોરના કાર્યક્રમનો ઑર્ગેનાઇઝર શ્યામકાનુ મહંતા, ઝુબીનનો મૅનેજર સિદ્ધાર્થ સરમા, સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામી, કો-સિંગર અમૃતપ્રભા મહંતા હાલમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે. આ ઉપરાંત ઝુબીનના પિતરાઈ ભાઈ સંદીપન ગર્ગ અને બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નંદેશ્વર બોરા અને પરેશ વૈશ્યની પણ ધરપકડ થઈ છે.