27 April, 2026 08:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ ઘટના રાત્રે લગભગ ૧.૦૮ વાગ્યે બની હતી
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર રવિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઝ્યુરિક જતી સ્વિસ ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની ફ્લાઇટ LX147 રનવે પરથી ટેકઑફ કરતી વખતે એન્જિનમાં ખામી સર્જાતાં પાઇલટે તાત્કાલિક ટેકઑફ રદ કરી દીધી હતી. આ ઘટના રાત્રે લગભગ ૧.૦૮ વાગ્યે બની હતી.
ઍરબસ A330 વિમાન રનવે પર સ્પીડ પકડી રહ્યું હતું ત્યારે ડાબી બાજુના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને આગની સ્થિતિ સર્જાઈ હતી. ક્રૂએ તરત ટેકઑફ કૅન્સલ કરીને તમામ ઇમર્જન્સી પ્રોટોકૉલ અમલમાં મૂક્યા હતા. વિમાનમાં મુસાફરો, બાળકો અને ક્રૂ સભ્યો સહિત કુલ ૨૩૨ લોકો સવાર હતા. સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરોને ઇમર્જન્સી સ્લાઇડ દ્વારા વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઇવૅક્યુએશન દરમ્યાન ૬ મુસાફરોને ઈજા થતાં તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.