28 June, 2025 03:44 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ઝુઝોઉ શહેરમાં રહેતો હુઆંગ નામનો એક છોકરો તેનાથી ૩ વર્ષ નાની બહેનને રોજ યુનિક હેરસ્ટાઇલ તૈયાર કરી આપે છે
ચીનના ૧૧ વર્ષના એક કિશોરનો નાની બહેનના વાળ ઓળી આપવાનો શોખ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. ઝુઝોઉ શહેરમાં રહેતો હુઆંગ નામનો એક છોકરો તેનાથી ૩ વર્ષ નાની બહેનને રોજ યુનિક હેરસ્ટાઇલ તૈયાર કરી આપે છે. ભાઈ-બહેનનો એ ક્યુટ સંબંધ અને ભાઈની ક્રીએટિવિટી લોકોને બહુ ગમી ગયાં છે. શરૂઆતમાં ભાઈ વાળ ઓળતાં શીખતો હતો, પણ હવે તો તે એકદમ પ્રો થઈ ગયો છે. પ્રોફેશનલ હેરસ્ટાઇલિસ્ટની અદાથી તે દર વખત કરતાં જુદા પ્રકારની હેરસ્ટાઇલ બાંધી આપે છે. બહેનના વાળ પણ કંઈ એટલા લાંબા નથી, પરંતુ એ વાળમાં પણ જે નાની-નાની ક્યુટ ચોટલીઓની ડિઝાઇન બને છે અને પછી એ ડિઝાઇન સાથે બહેનનું સ્વીટ સ્માઇલ ઉમેરાય છે એ જ હુઆંગ માટે મોટો રિવૉર્ડ છે. હુઆંગની મમ્મી નિયમિત ભાઈ-બહેનની આ જોડીની હેરસ્ટાઇલના વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. દરરોજ એક નવા પ્રકારની ચોટલી વાળવાનો હુઆંગે નિયમ લીધો છે. સૌથી પહેલાં તે વાળમાં હલકો પાણીનો ફુવારો છોડીને હેરસ્ટાઇલ બનાવવાનું શરૂ કરે છે. એ પછી તે બેબી બ્રશ પોતાના દાંત વચ્ચે ભરાવીને રંગબેરંગી રબરબૅન્ડ, ક્લિપ્સ અને ઍક્સેસરીઝ ભરાવીને હેરસ્ટાઇલ બનાવે છે. બહેનબા એ વખતે મોંમાં દૂધની બૉટલ ભરાવીને આરામથી આ સર્વિસનો લાભ લે છે.
હુઆંગની આ ક્રીએટિવિટી લોકોને એટલી પસંદ છે કે સોશ્યલ મીડિયા પર તેમના ૧૫ લાખથી વધુ ફૉલોઅર્સ છે.