19 April, 2025 01:52 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
૨૫ વર્ષના રાહુલ, યુવરાજ, લલિત
મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના શાહપુર ગામમાં ૨૫ વર્ષના એક યુવકને તેની ૧૭ વર્ષની ટીનેજર પત્નીએ તૂટેલી બિઅરની બૉટલથી મોતને ઘાટ ઉતાર્યો હતો. ૧૩ એપ્રિલે પોલીસને ઇન્દોર-ઇચ્છાપુર રોડ પર ITI કૉલેજ પાસેની ઝાડીઓમાંથી એક ડેડ-બૉડી મળી હતી. તપાસ કરતાં ખબર પડી હતી કે તે શાહપુર ગામના ૨૫ વર્ષના રાહુલનો મૃતદેહ છે. મૃતદેહ પર ખૂબબધા ઈજાનાં નિશાન હતાં. તપાસ કરતાં ખબર પડી હતી કે રાહુલની પત્ની પણ આ ઘટના પછી ગાયબ છે. ગામલોકોનું કહેવું હતું કે પત્નીનું યુવરાજ નામના બીજા યુવક સાથે અફેર હતું. જ્યારે પોલીસે યુવરાજની આકરી પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલી લીધું કે તેણે રાહુલની વાઇફ સાથે મળીને રાહુલનું મર્ડર કરવાનો પ્લાન બનાવ્યો હતો. ૧૨ એપ્રિલે રાતે આઠથી સાડાઆઠ વાગ્યા વચ્ચે રાહુલની પત્નીએ યુવરાજને વિડિયો-કૉલ કરીને રાહુલની લોહીથી લથબથ ડેડ-બૉડી બતાવીને કહ્યું હતું કે કામ હો ગયા. એ પછી તે લલિત નામના ફ્રેન્ડ અને બીજા એક કિશોર સાથે ભાગી ગઈ હતી. રાહુલની પત્ની ૧૭ વર્ષની હોવાથી માઇનર હતી. પોલીસે રાહુલની પત્ની અને લલિતને ખોળી કાઢ્યાં અને કડક પૂછપરછ કરી ત્યારે તેમણે કબૂલ્યું હતું કે તેમણે પહેલેથી રાહુલની હત્યા કરવાનું પ્લાનિંગ કરેલું. પત્ની જાણીજોઈને શૉપિંગના બહાને રાહુલને બહાર લઈ ગઈ હતી. પાછા આવતી વખતે રોડસાઇડ ટપરી પર ખાવાનું ખાઈને તેઓ પાછાં આવી રહ્યાં હતાં ત્યારે પહેલેથી કરેલા પ્લાનિંગ મુજબ ITI કૉલેજ પાસે આવીને છોકરીએ પોતાનું સ્લિપર પડી ગયાનું નાટક કરીને બાઇક રોકાવી હતી. બાઇક રોકાતાં જ લલિત અને તેનો માઇનર ફ્રેન્ડ આવી પહોંચ્યા અને રાહુલને ખેંચીને નજીકની ઝાડીમાં ખેંચી ગયા હતા. તેની પત્નીએ બિઅરની બૉટલ તોડીને એનાથી રાહુલને બેભાન કરી દીધો અને પછી વારંવાર છાતી અને પેટના ભાગે બૉટલના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મર્ડર કર્યા પછી ત્રણેય જણ રેલવે-સ્ટેશન જઈને ઉજ્જૈન ભાગી ગયાં હતાં. હવે પોલીસે રાહુલની પત્ની, યુવરાજ, લલિત અને તેના ટીનેજર ફ્રેન્ડ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.