01 August, 2026 01:05 PM IST | Shanghai | Gujarati Mid-day Correspondent
ટીનેજર તેના દાદા પાસે રહીને જ મોટો થયો છે
સાઉથ ચાઇના મૉર્નિંગમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ શાંઘાઈમાં એક મા કાઈ નામના યુવાને તેના દાદાજીને નિયમિત અને સમયસર દવા લેવાનું યાદ રહે એ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ ઍપ બનાવી છે. મા કાઈ જસ્ટ ૧૮ વર્ષનો છે. વર્લ્ડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કૉન્ફરન્સ (WAIC)માં ટીનેજરની આ શોધ ચર્ચાનો વિષય બની છે. ટીનેજર તેના દાદા પાસે રહીને જ મોટો થયો છે. તેના દાદાને ઘણી ક્રોનિક બીમારીઓ છે અને એ માટે તેમણે નિયમિત દવાઓ લેવાની જરૂરી છે. ઘણી વાર દાદા સમયસર દવા લેવાનું ભૂલી જતા અને એને કારણે તેમની તબિયત બગડતી હતી. ટીનેજરને યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે બીજા શહેર જવાનું થયું હોવાથી તેને ચિંતા હતી કે પોતે નહીં હોય તો દાદાને કોણ દવા લેવાનું યાદ દેવડાવશે? આ ચિંતામાંથી તેણે આ ઍપ તૈયાર કરી હતી. આ ઍપ દવા લેવાનું યાદ અપાવવા ઉપરાંત તેમની દવાઓનો સ્ટૉક પણ મેઇન્ટેન કરીને રિપોર્ટ કૅરટેકરના મોબાઇલ પર મોકલી આપે છે. દવાઓની એક્સપાયરી ડેટ સુદ્ધાં આ ઍપ મૉનિટર કરે છે.