07 July, 2025 01:06 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
૫૫ વર્ષ પહેલાં મંદિરમાંથી ૨ રૂપિયા ઉઠાવી લીધેલા ગિલ્ટ દૂર કરવા ભક્તે માફીપત્ર સાથે હૂંડીમાં ૧૦,૦૦૦ રૂ મૂક્યા
તામિલનાડુના ચેલાન્ડી અમ્મન મંદિરમાં પંચાવન વર્ષ પહેલાં એક ભક્તને મંદિરના પરિસરમાંથી બે રૂપિયાની નોટ મળી હતી. તેણે આ રૂપિયા કોના છે એ જોવા માટે આજુબાજુમાં નજર કરી પણ કોઈ મળ્યું નહીં. તેણે એ પૈસા મંદિર પ્રશાસનને આપી દેવા જોઈતા હતા, પણ તેણે ઉતાવળમાં એમ ન કર્યું. આ વાતને પંચાવન વર્ષ થઈ ગયાં હોવા છતાં પેલા ભક્તના મનમાં બે રૂપિયા મંદિરમાંથી લીધેલા એનું દુઃખ અને ગુનાહિત લાગણી રહ્યા કરતી હતી. આ માણસે મનની શાંતિ માટે એ બે રૂપિયા મંદિરને પાછા આપવાનું નક્કી કર્યું.
ગયા શુક્રવારે મંદિરની હૂંડીમાંથી એક કવર નીકળ્યું હતું અને એમાં ૫૦૦ની ૧૦,૦૦૦ રૂપિયાની નોટ સાથે એક ચિઠ્ઠી લખેલી હતી. એમાં તેણે પંચાવન વર્ષ પહેલાં બનેલી ઘટનામાં પોતે બે રૂપિયા લઈ લીધા હતા એ ગુનાની કબૂલાત કરીને એ રૂપિયા પાછા આપી રહ્યો છું એવું લખ્યું હતું. સાડાપાંચ દાયકામાં રૂપિયાની વધેલી કિંમત અને ફુગાવો જોતાં તેણે બે રૂપિયાના બદલામાં ૧૦,૦૦૦ રૂપિયા મૂક્યા હતા.