19 March, 2025 12:44 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
વસંથી ચેરુવીત્તી નામની ૫૯ વર્ષ
વસંથી ચેરુવીત્તી નામની ૫૯ વર્ષની મહિલા આમ તો દરજીકામ કરે છે, પણ તેને અચાનક સોલો ટ્રાવેલિંગનું ઝનૂન ચડ્યું અને તેણે એકલપંડે જ દુનિયા ભમવાનું શરૂ કરી દીધું. કેરલામાં રહેતાં વસંથીએ તેમનાં કારનામાંઓથી સાબિત કર્યું છે કે ઍડ્વેન્ચર કરવું હોય તો એને માટે એજ અને એક્સ્પીરિયન્સની કોઈ જરૂર નથી પડતી. કેરલાના કુન્નુરમાં દરજીકામ કરતાં વસંથી થાઇલૅન્ડ અને બીજા દેશોમાં સોલો ટ્રાવેલિંગ કરી ચૂક્યાં છે. જોકે તેમને એવરેસ્ટ બેઝ કૅમ્પ જવું હતું. એ માટે તેમણે કોઈ જ ફૉર્મલ ટ્રેઇનિંગ લીધી નહોતી. એવરેસ્ટ બેઝ પર પહોંચવા માટે કેવી રીતે શરીરને કેળવી શકાય એ તેઓ યુટ્યુબના વિડિયો જોઈ-જોઈને શીખ્યાં હતાં એટલું જ નહીં, સામાન્ય રીતે લોકો એવરેસ્ટ બેઝ કૅમ્પ કોઈ ગ્રુપ સાથે જતા હોય છે, પણ વસંથીએ એકલા જ ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું અને એ માટે જાતે જ પ્રૅક્ટિસ પણ કરી હતી.
૧૫ ફેબ્રુઆરીએ વસંથીએ નેપાલના સુર્કેથી ટ્રેકિંગ શરૂ કર્યું હતું અને ૨૩ ફેબ્રુઆરીએ તેઓ બેઝ કૅમ્પ પહોંચી ગયાં હતાં. એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચીને તેમણે કેરલાની ટ્રેડિશનલ સાડી મુન્ડુ પહેરીને ફોટો પડાવ્યો હતો. આ ફોટો પડાવવા માટે તેઓ સાડી સાથે લઈ ગયાં હતાં. એવરેસ્ટનો ટ્રેક પણ તેમને માટે ખૂબ ચૅલેન્જિંગ રહ્યો હતો, કેમ કે ખરાબ વેધરને કારણે તેમની લુકલા જવાની ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ હતી. જોકે એક જર્મન કપલ તેમને મળી ગયું જેમણે નેપાલના સુર્કેથી ઑલ્ટરનેટિવ રૂટ પરથી જવામાં હેલ્પ કરી હતી. આ ટ્રેક દરમ્યાન તેમને વિશ્વભરના ટ્રેકર્સ મળ્યા હતા.