16 September, 2026 12:10 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
પૌત્રોએ આખરે દાદીની ઇચ્છા પૂરી કરી
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પૌત્રોની મહેનતથી ૮૫ વર્ષની એક દીકરી તેની ૧૦૫ વર્ષની મમ્મીને ૨૦ વર્ષ પછી મળી શકી હતી. વાત એમ છે કે મક્કી વિસ્તારમાં રહેતાં ૧૦૫ વર્ષનાં સીતમ્માને ૧૧ સંતાનો છે, જેમાં સૌથી મોટી દીકરી ૮૫ વર્ષની સુશીલા છે.
વધતી ઉંમર અને સ્વાસ્થ્યની સમસ્યાઓ વચ્ચે આ બન્ને લાંબા સમયથી એકબીજાને મળી શક્યાં નહોતાં. સીતમ્માના ઘર સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો નહોતો. ત્યાં જવા માટે ગાઢ જંગલમાંથી જીપ દ્વારા મુસાફરી કરવી પડતી હતી અને એ પછી પણ દોઢ કિલોમીટર ઢોળાવવાળો રસ્તો અને એક ઝરણું પાર કરવું પડતું હતું.
સુશીલા મિથાબાગીલુ નામના ગામે પોતાના પરિવાર સાથે રહે છે. તેના અને માના ગામ વચ્ચે અંતર વધારે હોવાને કારણે અને મુસાફરી અત્યંત કઠિન હોવાથી માતા-દીકરી છેલ્લાં ૨૦ વર્ષથી એકબીજાને મળી શક્યાં નહોતાં. જોકે પૌત્રોએ આખરે દાદીની ઇચ્છા પૂરી કરી.
સુશીલાના પૌત્રોએ પોતાની દાદીને તેમની માતા સાથે મુલાકાત કરાવવાનો સંકલ્પ લીધો હતો. જીપ છેક ઘર સુધી પહોંચી શકે એમ ન હોવાથી છેલ્લા દોઢ કિલોમીટરના કઠિન જંગલના રસ્તે પૌત્રોએ સુશીલાને સાચવીને હાથ પકડીને ચલાવ્યાં હતાં.
૨૦ વર્ષ બાદ જ્યારે ૮૫ વર્ષની દીકરી પોતાની ૧૦૫ વર્ષની માતાને ભેટી ત્યારે બન્ને પરિવારોના સભ્યો ભાવુક થઈ ગયા હતા.