27 October, 2024 11:39 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
અનિલ મલોથ
ઘણા લોકોને રાતે સૂતી વખતે મોબાઇલ પોતાની પાસે રાખવાની આદત હોય છે. ઘણા લોકો ચાર્જિંગ કરતી વખતે પણ ફોન પાસે રાખીને સૂઈ જતા હોય છે. આવા લોકો માટે તેલંગણનો આ કિસ્સો ચેતવણીનું કામ કરશે. કામારેડ્ડી જિલ્લામાં ૨૩ વર્ષના યુવકનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું. ૨૫ ઑક્ટોબરે રાતે અનિલ મલોથે સૂતાં પહેલાં મોબાઇલ ચાર્જ કરવો હતો, પણ ચાર્જરનો વાયર ટૂંકો પડતો હતો એટલે તેણે પ્લગ-પૉઇન્ટમાંથી એક વાયર લાંબો કરીને ચાર્જર સાથે જોડી દીધો અને ફોન ચાર્જ કરવા મૂકી દીધો. રાતે ઊંઘમાં અનિલનો હાથ એ વાયરને અડી ગયો અને તેને જોરદાર કરન્ટ લાગ્યો. પરિવારના સભ્યો તાત્કાલિક તેને કામારેડ્ડીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં સારવાર શક્ય ન હોવાથી સરકારી હૉસ્પિટલ લઈ જતા હતા, પણ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. ૩ વર્ષ પહેલાં અનિલનાં લગ્ન થયાં હતાં અને તેને દોઢ વર્ષની દીકરી છે.