10 April, 2025 06:59 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
લગ્નનું અનોખું મેનુ કાર્ડ : બેક્ડ રસગુલ્લા ૧૬૦ કૅલરી, દાલમખની ૮૦ કૅલરી
સામાન્ય રીતે લોકો લગ્નસમારંભમાં મજાનું ખાવા માટે જ જતા હોય છે. જોકે ભોજનસમારંભમાં તમને કોઈ ડાયટિંગ અને કૅલરીની ગણતરી યાદ અપાવ્યા કરે તો કેવું લાગે? ભલે એ વખતે સારું ન લાગે, પરંતુ સ્વાસ્થ્ય માટે એ બહુ જરૂરી છે એવું માનતા પશ્ચિમ બંગાળના આસનસોલ શહેરમાં સુરુચિ કૅટરરે લગ્નસમારંભમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું એક અનોખુ મેનુ તૈયાર કર્યું છે. તેમના મેનુ કાર્ડમાં દરેક વાનગીની સામે એની કૅલરી લખવામાં આવી છે. પાંચમી એપ્રિલે શહેરના એક વેડિંગમાં આવું મેનુ આપવામાં આવેલું. એમાં વેજ અને નૉન-વેજ બન્ને આઇટમો સમાવિષ્ટ છે. દાલમખની ૮૦ કૅલરી, જીરા ભાત ૯૦ કૅલરી, બૅક્ડ રસગુલ્લા ૧૬૦ કૅલરી, સંદેશ ૧૬૦ કૅલરી, મુખશુદ્ધિ ૨૧૦ કૅલરી... એમ દરેક વાનગીની કૅલરી લખી છે. એટલું જ નહીં, છેલ્લે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ટોટલ એક ભોજનનો કૅલરી ઇન્ટેક ૧૨૦૦ કૅલરીનો હોવો જોઈએ.
છેલ્લે એક નોંધમાં લખ્યું છે કે મેનુની કોઈ પણ વાનગી પર GST લાગુ નથી પડતો, કેમ કે તમે જે ચીજો અહીં ખાશો એટલી કૅલરી તો ગેમ્સ રમીને બાળી જ નાખશો એવી આશા છે. અને હા, અમારામાંથી કોઈનું નામ ‘N’ પરથી નથી શરૂ થતું (મતલબ કે નિર્મલા સીતારમણનો ન).