પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં પ્રેમિકાએ તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો

07 March, 2026 02:44 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

ચાંદ અને શબનમના પરિવારજનો વચ્ચે પહેલાં થોડોક વિવાદ થયો હતો

૮૦ ટકા બળી ગયેલા ચાંદે ૭ દિવસ ‌જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમીને બુધવારે રાતે છેલ્લા શ્વાસ લીધા હતા

આગરામાં એક પ્રેમકહાણીમાં એક યુવકને જીવતો સળગાવવાની ઘટના બની હતી. પચીસ વર્ષનો ચાંદ નામનો ઑટો-ડ્રાઇવર તેના પરિવારનો એકમાત્ર કમાનારો હતો. પરિવારજનોનું કહેવું છે કે ૨૭ ફેબ્રુઆરીએ રાતે ચાંદ ઘરે આવી રહ્યો હતો ત્યારે આઝમપાડા રોડ પર તેની કહેવાતી પ્રેમિકા શબનમ, તેની મા અને ભાઈએ તેને રોક્યો હતો. ચાંદ અને શબનમના પરિવારજનો વચ્ચે પહેલાં થોડોક વિવાદ થયો હતો. એ પછી શબનમના ભાઈએ ચાંદને જબરદસ્તી રિક્ષાની બહાર ખેંચી લીધો અને તેની સાથે મારપીટ કરી હતી. શબનમ ચાંદ સાથે લગ્ન કરવા માગતી હતી અને ચાંદ હજી લગ્ન માટે તૈયાર નહોતો. એ વાતે ગુસ્સે ભરાઈને શબનમે તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. એ પછી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ પોલીસને સૂચના આપતાં ખૂબ જ ગંભીર રીતે દાઝેલા ચાંદને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ ૮૦ ટકા બળી ગયેલા ચાંદે ૭ દિવસ ‌જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમીને બુધવારે રાતે છેલ્લા શ્વાસ લીધા હતા. એવું કહેવાય છે કે ચાંદ અને શબનમ વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. શબનમ લગ્ન કરીને આઝમપાડા વિસ્તારમાં રહેવા આવી હતી અને તેના પતિના મૃત્યુ પછી દિયર સાથે રહેતી હતી. 

agra offbeat news national news news