09 December, 2025 03:13 PM IST | Kota | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રાજસ્થાનના કોટામાં રવિવારે બપોરે એક ચમત્કારી ઘટના બની હતી. અહીંના દશહરા મેદાન ક્ષેત્રમાં બડા રામદ્વારા આશ્રમ પાસેથી મળી આવેલા એક પ્રાચીન વૃક્ષના થડને જોઈને આખા વિસ્તારમાં આસ્થા, આશ્ચર્ય અને ઉત્સુકતા છવાઈ ગયાં હતાં. વર્ષોથી આ વિસ્તારમાં ઊભેલા એક પ્રાચીન વિશાળ વૃક્ષને હટાવવાનું કામ થઈ રહ્યું હતું ત્યારે એની અંદર હનુમાનજીની સાડાત્રણથી ચાર ફુટ ઊંચી પ્રતિમા જોવા મળી હતી. હનુમાનજીના આકારને ઊપસેલો જોઈને શ્રદ્ધાળુઓમાં ભારે ભીડ જામી હતી અને લોકો એને ચમત્કાર માનીને પૂજા-અર્ચના કરવા માંડ્યા હતા.
સાધુ-સંતોના કહેવા મુજબ આ આશ્રમ લગભગ ૪૦૦ વર્ષ જૂનો છે. આશ્રમ પરિસરમાં આવેલું આ વૃક્ષ વર્ષોથી સુકાયેલું હતું અને હવે એનું માત્ર એક થડ જ બચ્યું હતું. રવિવારે આશ્રમના સફાઈકામ દરમ્યાન થડની ઉપરના હિસ્સાને બાળવામાં આવ્યો હતો. જોકે બળી રહેલા થડની નીચે એક આકૃતિ ઊપસી હતી એ જોઈને લોકોએ ઝટપટ આગ બુઝાવી દીધી અને વધુ નુકસાન ન થાય એ રીતે થડ કાપ્યું હતું. એમાં હનુમાનજીની મૂર્તિનું સ્વરૂપ જોવા મળ્યું હતું. આ મૂર્તિને લાકડાની અંદર સાચવીને રાખવામાં આવી હોય એવું પહેલી નજરે લાગે છે. ઘટનાની સૂચના મળતાં પુરાતત્ત્વ વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. આ ટીમ મૂર્તિની પ્રાચીનતા, ઐતિહાસિક મહત્ત્વ અને કયા કાળખંડમાં એનું નિર્માણ થયેલું એના પર સંશોધન કરશે.