10 July, 2025 02:32 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરના નેલામંગલા વિસ્તારમાં ૨૭ વર્ષની રાધા નામની મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળક પ્રી-મૅચ્યોર જન્મ્યું હતું એટલે તે બરાબર બ્રેસ્ટફીડ પણ નહોતું કરતું. ભૂખને કારણે અવારનવાર રડતું રહેતું બાળક છાનું રહેતું ન હોવાથી રાધા ખૂબ થાકેલી રહેતી હતી. રાધા ડિલિવરી માટે તેની મમ્મીને ત્યાં ગઈ હતી અને પતિ નોકરીની શોધમાં હોવાથી તે રાધાના પિયરે વારંવાર આવી-જઈ શકતો નહોતો. ડિલિવરી પછી રાધા ખૂબ ડિપ્રેસ્ડ રહેતી હતી. એક દિવસ તે ઘરમાં એકલી જ હતી અને બાળક હીબકે ચડ્યું ત્યારે મોટા વાસણમાં પાણી ભરીને એને ઉકાળવા મૂક્યું અને પછી એમાં બાળકને નાખી દીધું. ગંભીર રીતે દાઝી જવાથી નવજાતનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેની મેન્ટલ હેલ્થ કન્ડિશનની તપાસ કરાવવામાં આવી રહી છે.
પહેલી વાર ખાણ ખોદવા નીકળ્યો અને મળ્યો ૪૦ લાખનો ૧૧ કૅરૅટનો હીરો
કિસ્મત ક્યારે બદલાઈ જાય એની કોઈને ખબર નથી. પન્નાની ખાણમાં કામ કરતા લોકો પણ કેટલાય દિવસો સુધી ખોદકામ કરે ત્યારે મહામૂલા પન્ના કે હીરા હાથ લાગે છે. જોકે મધ્ય પ્રદેશના કૃષ્ણ કલ્યાણપુરની ખાણોમાં કામ કરનારા આદિવાસી માધવ નામના મજૂરને તેના પહેલા જ દિવસના ખોદકામમાં એક અત્યંત દુર્લભ અને કીમતી હીરો હાથ લાગ્યો હતો. આ હીરો એટલો સાફ અને ઉચ્ચ ગુણવત્તાનો છે કે એ લગભગ ૧૧ કૅરૅટનો અને ૪૦ લાખ રૂપિયાનો હોવાનો અંદાજ છે.