21 May, 2025 12:10 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
૪૩ વર્ષના રહેવાસી દિવ્ય કિરણ
બૅન્ગલોરમાં રિચમન્ડ ટાઉનના ૪૩ વર્ષના રહેવાસી દિવ્ય કિરણે શહેરના તૂટેલા અને વાહન ન ચલાવી શકાય એવા રસ્તાઓને કારણે થતી શારીરિક વેદના અને ભાવનાત્મક આઘાત માટે બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકે (BBMP) પાસેથી ૫૦ લાખ રૂપિયાના વળતરની માગણી કરતી કાનૂની નોટિસ ફટકારી છે.
પોતાની નોટિસમાં દિવ્યા કિરણે જણાવ્યું હતું કે ‘કર ચૂકવતો નાગરિક હોવા છતાં સુધરાઈ મૂળભૂત માળખાગત સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ રહે છે અને એને કારણે અમને સતત શારીરિક મુશ્કેલીઓ અને માનસિક વેદનાનો સામનો કરવો પડે છે. ગરદન અને પીઠના ગંભીર દુખાવાને કારણે મારે ઑર્થોપેડિક્સની પાંચ મુલાકાતો લેવી પડી હતી અને ચાર વખત ઇમર્જન્સીમાં હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. આ બધું બૅન્ગલોરના ખરાબ રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે લાગતા ધક્કા અને આઘાત સાથે તબીબી રીતે જોડાયેલું છે. હું રિક્ષા કે ટૂ-વ્હીલર પર મુસાફરી કરી શકતો નથી, કારણ કે અસમાન અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓ કરોડરજ્જુ અને ગરદનની સ્થિતિને ગંભીર રીતે ખરાબ કરી રહ્યા છે.’ નોટિસ પર BBMP તરફથી તાત્કાલિક કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. નોટિસમાં દિવ્ય કિરણે ૧૫ દિવસની અંદર ૫૦ લાખ રૂપિયાનું વળતર અને તબીબી સલાહ માટે કરવી પડેલી મુસાફરીનો ખર્ચ માગ્યાં છે. કાનૂની નોટિસ માટે ૧૦,૦૦૦ રૂપિયાની પણ માગણી કરી છે.