14 February, 2026 08:31 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભોપાલની ફૅમિલી કોર્ટમાં અચંબો પમાડે એવો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ૧૯૯૦ના દાયકામાં આવેલી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જુદાઈ’ની યાદ તાજી કરાવે છે. ભોપાલના એક પરિવારમાં શાંતિ લાવવા માટે સંબંધોમાં લિટરલી નાણાકીય સોદાબાજી કરવામાં આવી હતી. એક મહિલાએ પોતાની ગૃહસ્થીમાં ઝેર ઘોળનારી સૌતન પાસેથી દોઢ કરોડ રૂપિયાની સંપત્તિ અને કૅશ લઈને પોતાના પતિને હંમેશ માટે તેને આપી દીધો. આવું તેણે પોતાની અને પોતાનાં સંતાનોની શાંતિ માટે કર્યું હતું. સામાન્ય રીતે છૂટાછેડા દરમ્યાન પતિ તેની પત્નીને ભરણપોષણ આપીને છૂટી કરે છે. જોકે ભોપાલના કેસમાં પત્નીને પતિની પ્રેમિકાએ પૈસા ચૂકવ્યા હતા. ૪૨ વર્ષના એક સરકારી અધિકારીને તેની સાથે જ કામ કરતી ૫૪ વર્ષની મહિલા અધિકારી સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્નેનો પ્રેમ એટલો વધ્યો કે પુરુષ તેની પત્ની અને સંતાનો તરફ બેદરકારી દાખવવા લાગ્યો. રોજેરોજ ઘરમાં વિવાદ ચાલતો હોવાથી પત્ની તંગ આવી ચૂકી હતી. આખરે તેણે પોતાની દીકરીઓ સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે પતિની પ્રેમિકાએ આપેલી ઑફર સ્વીકારીને છુટકારો મેળવી લીધો.