18 August, 2025 10:11 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
સિંગર ચાયવાલા
ડૉલી ચાયવાલા અને MBA ચાયવાલાની એક સમયે બોલબાલા હતી. જોકે હવે માર્કેટમાં નવો ચાવાળો એન્ટ્રી લઈ રહ્યો છે. એનું નામ છે સિંગર ચાયવાલા. તે માત્ર ચાની ચૂસકી જ નથી આપતો, પરંતુ એની સાથે ગીતો પણ ગાઈને સંભળાવે છે. ભોપાલમાં ધ સિંગર ચાયવાલા બહુ ફેમસ થઈ ગયો છે. અહીં લોકો ચા પીવાના બહાને તેનાં ગીતો સાંભળવા જાય છે. ગોવિંદ અને સોમેશ સૈની નામના ભાઈએ આ ચાની ટપરી શરૂ કરી છે. ગોવિંદને પહેલેથી જ ગાવાનો શોખ હતો. તે સારું ગાતો પણ હતો. જ્યારે પણ મોકો મળે અને સ્ટેજ મળે તો તે માઇક લઈને સિન્ગિંગની ટૅલન્ટ બતાવવા લાગતો. આમાંથી જ વિચાર આવ્યો કે જે કંઈ કામ કરીએ એની સાથે સિન્ગિંગને જોડી દઈએ. બન્નેએ ચાની ટપરી ખોલી દીધી અને સાથે લોકોને ગીતો સંભળાવવાનું પણ શરૂ કર્યું. હવે લોકો ચા પીવાના બહાને હકીકતમાં ગીતો સાંભળવા આવે છે. કેટલાય લોકો તેના વિડિયો પણ ઉતારીને સોશ્યલ મીડિયા પર મૂકે છે એને કારણે આપમેળે સિંગર ચાયવાલાની પબ્લિસિટી થઈ જાય છે.