15 December, 2025 12:31 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
૨૬૯.૯ ફુટ લાંબી અને આઠ ઇંચ પહોળી સૅન્ડવિચ
આમ તો સૅન્ડવિચ ભારતીય વાનગી નથી, પરંતુ સારી સૅન્ડવિચ બનાવવી એ કળા છે. ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મૅનેજમેન્ટના સ્ટુડન્ટ્સે ૨૬૯.૯ ફુટ લાંબી અને આઠ ઇંચ પહોળી સૅન્ડવિચ તૈયાર કરી હતી. માત્ર ૭ મિનિટ ૨૬ સેકન્ડમાં આ લાંબી સૅન્ડવિચ બનાવવામાં આવી હતી જેણે લિમકા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. લિમકા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સની ટીમ આ ઇવેન્ટ વખતે હાજર રહી હતી અને તેમણે ભારતની સૌથી લાંબી સૅન્ડવિચનું બિરુદ આ વાનગીને આપ્યું હતું, જોકે સત્તાવાર રીતે એનું સર્ટિફિકેટ તમામ વિધિઓ પૂરી થયા પછી મળશે. સૅન્ડવિચ બનાવવા માટે ભોપાલની કેટરિંગ કૉલેજના પ્રોફેસરોએ ૩૦૦ ફુટ લાંબું ટેબલ લગાવ્યું હતું. આ ઇવેન્ટ માટે ૨૪ ઇંચ લાંબી બ્રેડ્સની સ્લાઇસ ખાસ તૈયાર કરવામાં આવી હતી. આ સ્લાઇસને એડિબલ ગ્લુની મદદથી ચિપકાવી દેવામાં આવતાં એક સળંગ બ્રેડની સ્લાઇસ બની હતી. એકસરખી બ્રેડની સ્લાઇસ વાપરીને બનેલી સૅન્ડવિચની કુલ લંબાઈ ૨૬૯.૯ ફુટ જેટલી હતી. એમાં લેટસની ભાજી, ત્રણ પ્રકારના બેલ પેપર, આલપીનો, કાંદા, ઑલિવ્સ અને પાંચથી છ પ્રકારનાં સ્પ્રેડ વાપરવામાં આવ્યાં હતાં. કૉલેજના પ્રોફેસરનું કહેવું છે કે આ ઇવેન્ટ રેકૉર્ડ બનાવવા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશથી યોજવામાં આવી હતી. આ સૅન્ડવિચના કોઈ પણ ભાગને ખાઓ તો એનો સ્વાદ એકસરખો જ આવે એ આ સૅન્ડવિચ-મેકિંગની મુખ્ય ચૅલેન્જ હતી જે સુખરૂપ પાર પડી હતી.