11 July, 2026 01:01 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિહારમાં દુલ્હાની ધરપકડ કરીને તેને પરાણે કોઈક છોકરી સાથે પરણાવી દેવાની પ્રૅક્ટિસ આજે પણ જોવા મળે છે. સ્થાનિકોમાં એને પકડૌઆ વિવાહ કહે છે. સામાન્ય રીતે આવી બળજબરીથી થતા વિવાહ ખાનગીમાં થતા હોય છે અને યુવકો એને સ્વીકારી લેતા હોય છે, પરંતુ તાજેતરમાં બાઢ નામના શહેરમાં આવી ઘટના પછી સિવિલ કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. નીતીશ કુમાર નામના એક છોકરાએ કોર્ટમાં મૅરેજના રજિસ્ટ્રેશન દરમ્યાન ધડાકો કરતાં કહ્યું હતું કે તેના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યાં છે. તે જ્યારે પરણવા ગયો ત્યારે કન્યા પક્ષની નાની દીકરી સાથે લગ્ન કરવા આવ્યો હતો, પરંતુ તેની સાથે બળજબરી થઈ અને તેને મોટી દીકરી સાથે પરણાવી દેવામાં આવ્યો છે. આ લગ્ન ભલે અગ્નિની સાક્ષીએ થઈ ગયાં, પણ હવે તે કોર્ટમાં એને નોંધાવવા તૈયાર નહોતો. જ્યારે દુલ્હો કોર્ટમાં સહી કરવા તૈયાર ન થયો ત્યારે દુલ્હન પક્ષે પણ પોતાના બચાવમાં વરપક્ષ પર હુમલો કર્યો હતો. તેમણે કહેલું કે છોકરાએ અમારી પાસે વીસ લાખ રૂપિયા દહેજ માગેલું જે અમે આપી ન શક્યા એટલે તે હવે ફરી ગયો છે.