31 March, 2025 07:09 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
સત્તનબિંદની દીકરી સંજના કુમારીએ તેમના જ ગામના અને દિલ્હીમાં જૉબ કરતા આનંદકુમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં
એવું ઘણી વાર બને કે સંતાન મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરે તો પેરન્ટ્સ તેની સાથેનો છેડો ફાડી નાખે, પણ બિહારના મુંગેર જિલ્લાના ખડગપુર ગામમાં એક પિતાએ તો પોતાની દીકરીને મૃત ઘોષિત કરી દીધી. માત્ર ઘોષિત જ નથી કરી, તેના મૃત્યુનો દાખલો પણ કઢાવી લીધો. વાત એમ છે કે મૂળ ખડગપુરના પરંતુ પરિવાર સાથે દિલ્હીમાં રહેતા સત્તનબિંદની દીકરી સંજના કુમારીએ તેમના જ ગામના અને દિલ્હીમાં જૉબ કરતા આનંદકુમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. પરિવારજનોની મંજૂરી ન હોવાથી ગયા વર્ષે ૨૮ ઑક્ટોબરે તેમણે ઘરેથી ભાગીને કોર્ટ-મૅરેજ કરી લીધાં હતાં. એ વખતે તો પરિવારજનો વિરોધ કરીને શાંત પડી ગયા, પરંતુ આગળ શું થવાનું હતું એનો કદાચ સંજના અને આનંદને નહોતો. થોડા દિવસ પછી તેનું બૅન્ક-અકાઉન્ટ બંધ થઈ ગયું ત્યારે એનું કારણ જાણવા માટે સંજના પોતાના ગામ ખડગપુર ગઈ. ત્યાં બૅન્કવાળાઓએ કહ્યું કે અમને તો તમારું ડેથ-સર્ટિફિકેટ મળ્યું હોવાથી અકાઉન્ટ બંધ કરવાની અરજી મળી હતી. સંજનાનું કહેવું છે કે ‘જે દિવસે મેં લગ્ન કર્યાં એ જ તારીખનું ડેથ-સર્ટિફિકેટ મારા પિતાએ બનાવડાવી લીધું છે. મને મૃત ઘોષિત કરવા માટે મારો મૃત ફોટો પણ જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર આપતા ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે હું અહીંના અધિકારીઓ પાસે રૂબરૂ જઈને મારું ઓળખપત્ર આપું છું કે હું જીવિત છું અને મને કોઈ બીમારી પણ નથી એમ છતાં મારું ડેથ-સર્ટિફિકેટ કૅન્સલ નથી થઈ રહ્યું.’ પોતાને જીવિત સાબિત કરવા માટે તેને સલાહ આપવામાં આવી છે કે જેમણે પણ તેને ખોટી રીતે મૃત ઘોષિત કરી છે તેની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતી અરજી કરવામાં આવશે તો આ મામલો ઉપરના અધિકારીઓ સુધી લઈ જઈને તપાસ કરવામાં આવશે.