26 November, 2025 02:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના નવાબગંજ પાસેના એક ગામમાં રહેતી યુવતીનાં લગ્ન નજીકના એક ભણેલા-ગણેલા પણ સાધારણ પરિવારના યુવક સાથે નક્કી થયાં હતાં. બન્ને પરિવારોએ આપસમાં સહમતીથી જ લગ્ન નક્કી કરેલાં. મહિનાઓ સુધી લગ્નની તૈયારીઓ ચાલી અને જાન ગામમાં આવી ત્યાં સુધી બધું બરાબર હતું. દુલ્હો જાન લઈને આવ્યો એટલે દુલ્હને જયમાલા લઈને આવકાર આપ્યો. લગ્નની રસમો આગળ વધી રહી હતી અને એમાં એક રસમ માટે દુલ્હો ચાલીને સ્ટેજ તરફ આગળ વધ્યો ત્યારે તેની ચાલ જોઈને આખી કહાણી બદલાઈ ગઈ. દુલ્હો થોડોક લંગડાઈને ચાલી રહ્યો હતો. કન્યા પક્ષની મહિલાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને વાત લગ્ન ફોક કરવા સુધી પહોંચી ગઈ. દુલ્હન પક્ષે દુલ્હાને લંગડાતી ચાલે ચાલતો જોઈને ધરાર લગ્ન કરવાની ના પાડી દીધી. કેટલાય કલાકો સુધી કન્યા પક્ષને સમજાવવામાં આવ્યો, પણ જાને લીલા તોરણે પાછા જવું પડ્યું. પોલીસે પણ હાજર રહીને વાત થાળે પાડવાની કોશિશ કરી પણ વાત બની નહીં.