01 December, 2025 03:03 PM IST | Bareilly | Gujarati Mid-day Correspondent
આરોપી
બરેલીમાં ૧૯૮૯માં પ્રદીપ સક્સેના નામના યુવક પર હત્યાના આરોપ લાગ્યો હતો. આ જ કેસમાં તેને જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. જોકે ૨૦૦૨માં કોર્ટમાંથી જમાનત મળ્યા પછી પ્રદીપ ગુમ થઈ ગયો હતો. એ પછી અલાહાબાદ હાઈ કોર્ટે બહાર પાડેલા બિનજામીનપાત્ર વૉરન્ટ પછી પોલીસ તેની તપાસમાં લાગી હતી. પોલીસના જૂના રિપોર્ટમાં પણ લખાયું હતું કે પ્રદીપ વર્ષો પહેલાં ઘરેથી નીકળી ગયો હતો અને પરિવારજનોને પણ તેના વિશે કોઈ ખબર નહોતી. પોલીસે પણ તેને શોધવાનું મૂકી દીધું હતું. જોકે થોડા દિવસ પહેલાં પ્રદીપના ભાઈ સુરેશે પોલીસને જણાવ્યું હતું કે મુરાદાબાદના ટ્રાન્સપોર્ટ નગરમાં સક્સેના ડ્રાઇવર નામથી જાણીતો માણસ કદાચ તેનો ભાઈ પ્રદીપ હોઈ શકે છે. સૂચના મળ્યા પછી પોલીસ મુરાબાબાદ પહોંચી ત્યારે ડ્રાઇવર સક્સેનાને પકડ્યો તો તેણે કહ્યું કે તેનું નામ તો અબ્દુલ રહીમ છે. તેણે ધર્મપરિવર્તન કરાવીને પોતાનો ગુનો છુપાવવાની કોશિશ કરી હતી. એક વિધમા મુસ્લિમ મહિલા સાથે નિકાહ કરીને તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો. હાલમાં ૭૦ વર્ષની વયનો પ્રદીપ ઉર્ફે અબ્દુલ હવે પોલીસની કસ્ટડીમાં છે અને ૩૬ વર્ષ જૂના હત્યાના કેસની તપાસ ફરીથી શરૂ થશે.