24 January, 2026 02:58 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
લગભગ ૪૦ વર્ષ પહેલાં આ પુલ બે વૉર્ડને જોડવા માટે બનાવાયો હતો
છત્તીસગઢના કોરબા શહેરમાં વચ્ચેથી પસાર થતો પુલ હસદેવ નહેરમાં વર્ષો પહેલાં બનાવવામાં આવ્યો હતો. લગભગ ૪૦ વર્ષ પહેલાં આ પુલ બે વૉર્ડને જોડવા માટે બનાવાયો હતો. એ પુલની લંબાઈ હતી ૬૦ ફુટની અને પહોળાઈ પાંચ ફુટની હતી. ૩૦ ટન વજનનો લોખંડનો આ પુલ રાતોરાત ચોરાઈ ગયો હતો. રાતના ૧૧ વાગ્યા સુધી તો આસપાસના લોકો આ જ પુલ પરથી પસાર થયા હતા, પરંતુ એ પછી અહીં અવરજવર બંધ થઈ જતી હોય છે. સવારે ઊઠીને પુલ કપાયેલો જોયો અને ગાયબ થઈ ગયો હતો ત્યારે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. કોરબાના કલેક્ટર પણ તાત્કાલિક પુલ પાસે દોડી આવ્યા અને ખરેખર ચોરો ગૅસકટરથી પુલ કાપીને ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી. આ ચોરીની તપાસ કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.