10 July, 2025 02:21 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
કમળના પાનનો ફેસમાસ્ક બન્યો વાઇરલ
કુદરતી ચીજો જ વાપરવાનો ટ્રેન્ડ આજકાલ વધી રહ્યો છે. જોકે એમાં સનસ્ક્રીન તરીકે કુદરતી પત્તાંથી ચહેરાને રક્ષણ આપવાનો ચાઇનીઝ ટ્રેન્ડ જબરો ચર્ચામાં છે. લોકો ચહેરા પર કેમિકલયુક્ત લોશન લગાવવાને બદલે ચહેરાને પાનથી ઢાંકી રહ્યા છે. ચીનમાં કમળનાં પાનને પ્રાકૃતિક સનસ્ક્રીનનો વિકલ્પ કહીને પ્રમોટ કરવામાં આવ્યાં છે એને કારણે જે લોકો કેમિકલ-ફ્રી લાઇફ જીવવા માગે છે તેઓ બહાર નીકળે ત્યારે કમળના મોટા પાનને ચહેરા પર માસ્કની જેમ લગાવે છે.
ચીનના ઝેજિયાંગ, સિચુઆન અને ફુજિયાન પ્રાંતોમાં આ ટ્રેન્ડ જોરમાં છે. લોકો તળાવમાંથી કમળનાં કોમળ પત્તાં લઈને એને ટોપી કે હેલ્મેટ સાથે બાંધી દે છે અને આખો ચહેરો ઢાંકી દે છે. આંખની જગ્યાએ બે કાણાં પાડી દેવાય છે. આ જ રીતે લોકો સાઇકલ અને બાઇક પણ ચલાવતા જોવા મળે છે. નવાઈની વાત એ છે કે કેટલાક ડર્મેટોલૉજિસ્ટ પણ આ વાતને સમર્થન આપે છે.