26 November, 2026 12:58 PM IST | China | Gujarati Mid-day Correspondent
ચીને બનાવી ઊડતી કાર
ચીનમાં પાંખ વિનાની એક કારે પહેલી વાર હવામાં ઉડ્ડયન કર્યું હતું. આ કાર રનવે વિના સીધી જ જમીન પરથી ઊડી શકે છે. ટેસ્ટિંગ દરમ્યાન કાર ચાલુ થતાંની સાથે જ પોતાની જગ્યા પરથી ડાયરેક્ટ ઊંચી ઊડી હતી અને હવામાં એક ચક્કર કાપીને પાછી જમીન પર લૅન્ડ થઈ ગઈ હતી. આ કારની ખાસિયત એ છે કે એમાં પ્લેનની જેમ કોઈ પાંખો પણ નથી કે નથી હેલિકૉપ્ટરની જેમ માથે ફરતો પંખો. કારને ઉપર ઊંચકી શકે એ માટે જે પાંખો જેવી રચના છે એ કારના બૉડીની બહાર નહીં પણ અંદર છે.
હુનાન પ્રાંતના ચાંગ્શા શહેરમાં આ કારનું પહેલું પરીક્ષણ થયું હતું. એનો વિડિયો ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોન્ગે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. સંશોધકોનો દાવો છે કે કારની અંદરની તરફ પાંખ લગાવવામાં આવી હોવાથી ઘૂમતી બ્લેડ કે પાંખોને કારણે ઊભાં થતાં જોખમો નહીં નડે. આ કારનું વજન ૨૮૦ કિલો છે અને એની ક્ષમતા ૧૨૦ કિલો વજન ઊંચકીને ઊડવાની છે. સ્કાય બ્લુ રંગનું કારનું પ્રોટોટાઇપ સફળ અને સેફ હોવાનું કહેવાય છે. જોકે આ કાર હેલિકૉપ્ટર કે પ્લેનની જગ્યા નહીં લઈ શકે. એ શહેરની અંદર ઓછી ઊંચાઈએ ઊડવા માટે બનાવવામાં આવી છે.