08 July, 2025 01:24 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ડાયપર પહેરીને ૧૧ મહિનાનું ટબૂકડું કરે છે સ્કેટબોર્ડિંગ
નવી જનરેશન બહુ ફાસ્ટ થઈ ગઈ છે. પહેલાં બાળકો દસ-અગિયાર મહિને પા-પા પગલી ભરવાનું શીખતાં હતાં, પણ હવે તો પાંચ-સાત મહિનાનાં બાળકો કરતબ કરતાં થઈ ગયાં છે. ચીનના જુઆનજુઆન નામના ૧૧ મહિનાના ટબૂકડાએ પાંચ મહિનાની ઉંમરે જ્યારે સ્વતંત્ર ઊભા રહેવાનું શીખ્યું એની સાથે જ સ્કેટબોર્ડિંગ સાથે રમવાનું શરૂ કરી દીધું હતું. હવે ૧૧ મહિને તે આરામથી સ્કેટબોર્ડ પર સંતુલન જાળવીને ઊભો રહી જાય છે. છેલ્લા બે મહિનાથી તે કોઈ સપોર્ટ વિના સ્કેટબોર્ડિંગ કરવા માંડ્યો છે.
વાત એમ હતી કે જુઆનજુઆનના પિતા લિયુ પોતે ભૂતપૂર્વ સ્નોબોર્ડિંગ ઍથ્લીટ છે. તેઓ ચીનના નૅશનલ સ્નોબોર્ડ ટીમના સભ્ય પણ છે. એને કારણે જન્મથી જ જુઆનજુઆનને સ્કેટબોર્ડિંગ પાર્કમાં ફરવા જવાનું થાય છે. બસ, બાળકને એ ગમવા લાગ્યું અને તેણે શીખી લીધું. પહેલી વાર ૯ મહિનાની ઉંમરે બાળકે ઘરની બહાર સ્કેટબોર્ડિંગ કર્યું હતું. હવે તે ૧૦૦૦ મીટર સુધી જાતે સ્કેટબોર્ડ ચલાવે છે. જોકે બાળક હજી નાનું છે એટલે તેના પિતા હેલ્મેટ અને ઢાંકણી પર પૅડની સાથે-સાથે ડાયપર પહેરાવે છે.