યુવાને બિલાડીઓને ખાવાનું ખવડાવીને ૨૦ દિવસમાં ૨૦ લાખ રૂપિયા રળી લીધા

07 March, 2026 02:53 PM IST  |  Shanghai | Gujarati Mid-day Correspondent

ચીનાઓ રજા માણતા હતા ત્યારે યુવાને બિલાડીઓને ખાવાનું ખવડાવીને ૨૦ દિવસમાં ૨૦ લાખ રૂપિયા રળી લીધા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ચીનના શાંઘાઈમાં હુઆન કૉન્ગ નામનો યુવાન અજીબોગરીબ કામ શરૂ કરીને ૨૦ લાખ રૂપિયા કમાયો હતો. હુઆનનું કામ હતું લોકોના ઘરે-ઘરે ફરીને પાળેલી બિલાડીઓને ખાવાનું ખવડાવવું અને કાળજી રાખવી. સામાન્ય રીતે વેકેશનના સમયમાં લોકો ફરવા નીકળી જાય ત્યારે પાળેલાં પ્રાણીઓની કાળજી રાખવાનું મુશ્કેલ થઈ જાય છે. તેમને પાળેલાં પ્રાણીઓ ઘરમાં એકલાં સોરવાય નહીં અને તેમની રોજિંદી ખાવા-પીવાની જરૂરિયાતો પૂરી થાય એની ચિંતા રહે છે. આ ચિંતા સમજીને હુઆન નામના ભાઈએ એક સ્કીમ તૈયાર કરી. તેણે ફેસ્ટિવલના ૨૦ દિવસ દરમ્યાન પાળતુ બિલાડીઓની કાળજી માટેની સર્વિસ શરૂ કરી. લગભગ ૨૦૦૦ લોકોએ એનો લાભ લીધો. કામ મોટું થઈ ગયું હોવાથી હુઆને બીજા ૩ લોકોને પણ હાયર કર્યા. ૪ જણની ટીમે રોજ ૨૦૦૦ ઘરોમાં જઈને બિલાડીઓની દેખભાળ કરી અને ૨૦ દિવસમાં કુલ ૨૦ લાખ રૂપિયાની કમાણી કરી હતી. હુઆન પોતે ૯ વર્ષથી પાળતુ પ્રાણીઓની ટ્રેઇનિંગનું કામ કરે છે એટલે તેને એમાં ફાવટ હતી અને તેણે એકલાએ જ ૧૦૦૦ બિલાડીઓની દેખભાળ રાખી હતી. આ માટે તે સવારે ૩ વાગ્યે ઊઠી જતો અને રાતે ૧૧ વાગ્યા સુધી કામ કરતો હતો. એક દિવસમાં તે લગભગ પંચાવન ઘરોમાં જઈને બિલ્લીની કાળજી રાખતો. તે દરેક ઘરમાં બિલાડીની છીછી-પીપીનું બૉક્સ સાફ કરવાથી લઈને તેમની બેસિક તબિયતની તપાસ કરવાનું અને જરૂરી ખાવા-પીવાની ચીજોની ગોઠવણ કરવાનું કામ કરતો હતો. જરૂર પડ્યે બિલાડીને દવા આપવાનું પણ તે કામ કરતો જેથી બિલ્લીઓની સેહત સારી રહે. 

china offbeat news international news world news news