સંતતિ ન થવાથી ૨૪ વર્ષનો યુવક પહોંચ્યો દિલ્હીની હૉસ્પિટલમાં, તપાસ કરી તો પેટમાંથી નીકળ્યું ગર્ભાશય

12 September, 2026 02:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંતતિ ન થવાથી ૨૪ વર્ષનો યુવક પહોંચ્યો દિલ્હીની હૉસ્પિટલમાં, તપાસ કરી તો પેટમાંથી નીકળ્યું ગર્ભાશય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નિઃસંતાનપણાની સમસ્યા લઈને હૉસ્પિટલમાં પહોંચેલા દિલ્હીના ૨૪ વર્ષના એક યુવકનો રિપોર્ટ જોઈને ડૉક્ટરો અને પરિવારજનો પણ સ્તબ્ધ બની ગયા છે. સામાન્ય પુરુષ જેવાં જ તમામ શારીરિક લક્ષણો ધરાવતા આ યુવકના પેટમાં સંપૂર્ણ રીતે વિકસિત ગર્ભાશય અને બે ટેસ્ટિસ મળી આવ્યાં છે.

દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં આવેલી આર. જી. હૉસ્પિટલનાં ચીફ યુરોલૉજિસ્ટ ડૉ. સુશીલ ખરબંદા પાસે આ યુવક સંતતિ ન થવાની સમસ્યા માટે તપાસ કરાવવા આવ્યો હતો. યુવકને પહેલેથી કોઈ જ તકલીફ કે અસામાન્ય લક્ષણો જણાયાં નહોતાં. ઇનફર્ટિલિટીની પ્રાથમિક તપાસ માટે જ્યારે યુવકના વીર્યનું પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે એમાં સ્પર્મ-શુક્રાણુનો કાઉન્ટ સંપૂર્ણ શૂન્ય મળ્યો હતો. સમસ્યાનું મૂળ કારણ જાણવા માટે જ્યારે વધુ તબીબી ટેસ્ટ કરવામાં આવી ત્યારે ડૉક્ટરો પણ દંગ રહી ગયા હતા. યુવકના પેટની અંદર સંપૂર્ણ ગર્ભાશય અને બે ટેસ્ટિસ હાજર હતાં.
ડૉ. સુશીલ ખરબંદાએ મીડિયાને જણાવ્યું કે દરદી બાળપણથી પુરુષ તરીકે જ જીવી રહ્યો છે અને તેનાં તમામ શારીરિક લક્ષણો સામાન્ય પુરુષ જેવા જ છે.

અત્યંત દુર્લભ ગણાતી આ તબીબી સ્થિતિનો ખુલાસો થતાં જ તબીબી જગતમાં આ કિસ્સો હાલ ભારે આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યો છે.

new delhi offbeat news national news news