માનતા પૂરી કરવા માટે ૧૦ કિલો ચાંદીનો પેટ્રોલ-પમ્પ સાંવલિયા શેઠને અર્પણ થયો

07 July, 2025 12:57 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

આ પહેલાં કેટલાક ભક્તો હવાઈ જહાજ, વાંસળી, ઈંટ, હેલિકૉપ્ટર, ક્રિકેટની કિટ જેવી જાતજાતની ચાંદીની બનેલી ચીજો ચડાવી ચૂક્યા છે.

૧૦ કિલો ચાંદીનો પેટ્રોલ-પમ્પ સાંવલિયા શેઠને અર્પણ થયો

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલા શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં એક ભક્તે પોતાની મનોકામના પૂરી થઈ તો ૧૦ કિલો વજનનો ચાંદીનો પેટ્રોલ-પમ્પ પ્રભુને અર્પણ કર્યો છે. સાંવલિયા સેઠના દરબારમાં ભક્તો માનતા માને છે અને પછી એ માનતાને અનુરૂપ જાતજાતની ચીજો ભેટ અર્પણ કરે છે. આ પહેલાં કેટલાક ભક્તો હવાઈ જહાજ, વાંસળી, ઈંટ, હેલિકૉપ્ટર, ક્રિકેટની કિટ જેવી જાતજાતની ચાંદીની બનેલી ચીજો ચડાવી ચૂક્યા છે.

ડુંગલા ક્ષેત્રમાં રહેતા એક ભક્તે તાજેતરમાં ચાંદીનો પેટ્રોલ-પમ્પ ચડાવ્યો છે. પેટ્રોલ-પમ્પ બનાવવા માટે તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ હોવા છતાં પમ્પ શરૂ કરવામાં તેમને અડચણ આવી રહી હતી. એ તકલીફો દૂર થાય એ માટે તેમણે સાંવલિયા સેઠ પાસે માનતા માની હતી. ઇચ્છિત કાર્ય પૂરું થતાં તેમણે ભગવાનને ૫૬ ભોગની સાથે પેટ્રોલ-પમ્પ ચડાવ્યો હતો.

અહીં આવનારા ભક્તો શ્રી સાંવલિયા સેઠને પોતાના ધંધામાં પાર્ટનર બનાવે છે અને તેમનો ચોક્કસ હિસ્સો પ્રભુને અર્પણ કરે છે. ૩ દિવસ પહેલાં જ શ્રી સાંવલિયા સેઠને મળેલા માસિક ભંડારની રકમની ગણતરી થઈ હતી જેમાં ૨૯.૨૨ કરોડ રૂપિયાની રોકડ, એક કિલો સોનું અને ૧૪૨ કિલો ચાંદી સહિત ૧૫ દેશોની કરન્સીમાં ચડાવો મળ્યો હતો.

rajasthan religion religious places national news news offbeat news social media