06 March, 2025 03:47 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં એક મહિલાએ છૂટાછેડાની અરજી કરી હતી, પણ જજે માથે બિંદી અને મંગળસૂત્ર ન પહેરવા પર સવાલ ઉઠાવ્યો હતો. અન્ય એક કેસમાં જજે મહિલાની કમાણી પર ટિપ્પણી કરી હતી.
એક મહિલા તેના પતિથી છૂટાછેડા લેવા માગતી હતી. તેણે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે છૂટાછેડા પહેલાં જજે પતિ-પત્ની બેઉને બેસીને સમજાવ્યાં હતાં. એ સમયે જજે મહિલાને એવો સવાલ પૂછ્યો હતો જેનાથી તમામ લોકો હેરાન થઈ ગયા હતા.
જજે મહિલાને કહ્યું હતું કે હું જોઈ શકું છું કે તમે મંગળસૂત્ર નથી પહેર્યું કે બિંદી નથી લગાવી, જો તમે એક વિવાહિત મહિલા તરીકે વ્યવહાર નહીં કરો તો તમારો પતિ તમારામાં શા માટે રસ દાખવે?
આ મહિલા તેના પતિથી અલગ રહે છે અને તેણે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ નાખીને છૂટાછેડા માગ્યા છે.
ભરણપોષણના એક કેસમાં જજે મહિલાને કહ્યું હતું કે જો કોઈ મહિલા સારી કમાણી કરે છે તો તે એવા પતિને શોધશે જે તેનાથી પણ વધારે કમાણી કરતો હોય, તે કદી ઓછા કમાનાર સાથે સમાધાન નહીં કરે; પણ સારી કમાણી કરતો કોઈ પુરુષ લગ્ન કરવા માગે તો તે ઘરમાં વાસણ ઘસતી નોકરાણી સાથે પણ લગ્ન કરશે... જુઓ પુરુષો કેટલા ફ્લેક્સિબલ છે; તમારે પણ ફ્લેક્સિબલ બનવું જોઈએ, આટલાં કઠોર ન બનો.